VIDEO: 'ફટાકડા ફોડતા લાગી આગ...', ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની ધરપકડ

Goa Night Club Fire : ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં શનિવાર-રવિવારની વચલી રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં મોત થવાની ઘટનામાં ક્લબના માલિકો પર એફઆઈઆર નોંધવા ઉપરાંત ચાર મોટા અધિકારીઓની ધરપકડ કરી છે.

ફટાકડાના કારણે આગ લાગી : મુખ્યમંત્રી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી.

મૃતકના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાય
સરકારે જાહેરાત કરી છે કે, મૃતકોના પરિવારજનોને SDRF ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર મૃતકોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ઘટના બાદ રોમિયો લેનમાં વધુ એક ક્લબ સિલ કરી દેવાઈ છે.
તપાસનો ધમધમાટ શરૂ
ઘટના ટાણે કેટલાક લોકો તુરંત દોડીને બહાર આવી ગયા હતા, જ્યારે કેટલાક આવી શક્યા ન હતા, જેના કારણે તેમણે જીવ ગુમાવવો પડ્યો. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને એક અઠવાડિયામાં રિપોર્ટ પણ આવી જશે. ઘટનામાં બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. સંબંધિત અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે.

ચારની ધરપકડ, માલિકો વિરુદ્ધ FIR
ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું કે, ‘અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ક્લબના માલિકો સૌરવ લૂથરા અને ગૌરવ લૂથરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.’

