પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ

India-Ukraine Relations : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ની તાજેતરની ભારત મુલાકાત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) પણ જાન્યુઆરી-2026માં ભારતની મુલાકાતે આવી શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ, ભારત અને યુક્રેનના અધિકારીઓ આ પ્રવાસ અંગે સપ્તાહોથી વાતચીત કરી રહ્યા છે. આ મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જોવામાં આવી રહી છે. જો ઝેલેન્સ્કીનો પ્રવાસ નિર્ધારીત થશે તો છેલ્લા 13 વર્ષમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે.
ઝેલેન્સ્કીનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અનેક મુદ્દા પર નિર્ભર
અહેવાલમાં જણાવાયું છે કે, ઝેલેન્સ્કીનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અનેક મુદ્દા પર નિર્ભર રહેશે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) દ્વારા બંને દેશો વચ્ચે શાંતિ યોજનાની કામગીરી ચાલી રહી છે. તો બીજીતરફ ઝેલેન્સ્કી સરકાર એક મોટા ભ્રષ્ટાચાર કાંડમાં પણ ઘેરાયેલી છે. એટલું જ નહીં શાંતિ વાર્તા મામલે યુરોપ અને અમેરિકા વચ્ચે કથિત મતભેદ પણ ચાલી રહ્યો છે, ત્યારે આ તમામ પાસાઓને ધ્યાને રાખ્યા બાદ ઝેલેન્સ્કીનો ભારત પ્રવાસ નિર્ધારિત થઈ શકે છે.
યુદ્ધ બાદ PM મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે ચાર વખત થઈ મુલાકાત
ભારતે ફેબ્રુઆરી-2022માં યુદ્ધ શરૂ થયા બાદથી જ વાતચીત અને કૂટનીતિને આગળ વધવાનો એકમાત્ર યોગ્ય માર્ગ ગણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સ્પષ્ટ કહ્યું છે કે, ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિની સાથે છે. પીએમ મોદી ઝેલેન્સ્કીને આઠ વખત ફોન પર વાત કરી ચૂક્યા છે અને ચાર વખત રૂબરૂ મળ્યા પણ છે.
આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO : ડાન્સ પાર્ટીમાં અચાનક જ આગ લાગતા થયા 25ના મોત
યુદ્ધના કારણે ભારતને આર્થિક અસર
યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના કારણે ભારતને આર્થિક અસર પણ થઈ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત સસ્તું રશિયન ક્રૂડ ઓઈલ ખરીદીને રશિયાના યુદ્ધ મશીનરીને નાણાકીય મદદ પુરી પાડી રહ્યું છે. જોકે, ભારત સતત પોતાના રાષ્ટ્રીય હિતો ને સર્વોપરી ગણાવી રહ્યું છે. જાન્યુઆરીમાં ઝેલેન્સ્કીનો ભારત પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપશે.
આ પણ વાંચો : ...તો નિયમ તોડનાર એરલાઈન્સ થશે મોટો દંડ, જાણો DGCAનો નિયમ

