For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકવાદીઓનો સફાયો કરો: સૈન્યને મોદીનો છૂટોદોર

- સરકાર અંતે હલબલી: પાક.ને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો

- CRPFના જવાનો પર થયેલા હુમલાની આતંકવાદીઓએ મોટી કિંમત ચૂકવવી પડશે

Updated: Feb 15th, 2019

Article Content Image

વૈશ્વિક સ્તરે પાકિસ્તાન સામે મુદ્દો ઉઠાવવા ભારત કટિબદ્ધ

(પીટીઆઈ) નવી દિલ્હી/ઝાંસી, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પગલાં ભર્યા હતા. પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો હતો અને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જવાનો ઉપર થયેલાં આ હુમલાની આતંકવાદીઓએ મોટી કિંમત ચૂકવવી પડશે. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની બેઠકમાં CRPFના જવાનો ઉપર થયેલા હુમલાં પછી મહત્વનો નિર્ણય લેવાયો હતો.

 ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો હતો અને વૈશ્વિક સ્તરે પાકિસ્તાન સામે આતંકવાદનો મુદ્દો વધુ મજબૂત રીતે ઉઠાવવાની ભારતે જાહેરાત કરી હતી.

નાણામંત્રી અરૃણ જેટલીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે પાકિસ્તાનને મળેલા આ સ્ટેટસને રદ્ કરવાની સાથે સાથે વિદેશ મંત્રાલય વૈશ્વિક સ્તરે આતંકવાદનો મુદ્દો ઉઠાવશે અને પાકિસ્તાન પ્રેરિત મજબૂત પુુરાવાઓના સહારે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે એકલું પાડી દેવાની વ્યૂહરચના અમલમાં મૂકાશે.

ભારતે પાકિસ્તાનને ૧૯૯૬માં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો આપ્યો હતો. આ દરજ્જો મેળવનાર પાડોશી દેશને વેપારમાં છૂટછાટ મળતી હોય છે અને ટેક્સ અને કસ્ટમ ડયૂટીમાં ફેવર્ડ નેશનનો દરજ્જો ધરાવતા દેશને ફાયદો મળે છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને આ અંગેની સત્તાવાર જાણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ટ્રેન-૧૮ના ઉદ્ધાટન સમારોહમાં જણાવ્યું હતું કે CRPFના જવાનો ઉપર થયેલા હુમલાની આતંકવાદીઓએ બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. સૈન્યને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવશે એવું ય તેમણે કહ્યું હતું. ઝાંસીની સભામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આતંકવાદીઓને જવાબ આપવા માટે સ્થળ અને સમય નક્કી કરવાની સૈન્યને છૂટ છે.

પાકિસ્તાનનું નામ લીધા વગર વડાપ્રધાને કહ્યું હતું કે પાડોશી દેશે આની કિંમત ચૂકવવી પડશે. ભારત અત્યારે બધી રીતે ઘણું આગળ છે, પણ પાડોશી દેશની સ્થિતિ આ બધાના કારણે જ અતિશય ખરાબ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે હું સમજી શકું છે કે લોકોમાં આક્રોશ છે, આતંકવાદીઓને મદદ કરનારાઓને ય આકરી સજા કરવામાં આવશે.

વિદેશ સચિવ વિજય ગોખલેએ પાકિસ્તાનના હાઈ કમિશ્રનરે આતંકવાદી હુમલા બદલ સમન્સ પાઠવ્યું હતું. ભારત સ્થિત પાકિસ્તાન હાઈ કમિશ્નર સોહેલ મોહમૂદને સમન્સ પાઠવીને સરકારે સીઆરપીએફના જવાનો ઉપર થયેલા હુમલા બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ભારત સ્થિત પાકિસ્તાનના દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનમાંથી ભારતની સરહદે અને ખાસ તો કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલા બાબતે રજૂઆત કરવાની જાહેરાત કરી છે. 

હુમલા મુદ્દે ભારતની પી-૫ દેશોના રાજદૂતોને રજૂઆત

વિદેશ સચિવ વિજય ગોખલેએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના પાંચ કાયમી સભ્યદેશોના રાજદૂતોને પુલવામા હુમલા અંગે વિગતવાર જાણકારી આપી હતી અને ભારતનો પક્ષ રજૂ કર્યો હતો.

ભારતે પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે આતંકવાદની બાબતે ખૂલ્લું પાડવાની વ્યૂહરચના અપનાવી છે, તેના ભાગરૃપે વિદેશ સચિવે પી-ફાઈવ કેન્ટ્રી તરીકે ઓળખાતા યુએન સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય દેશો - અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન અને ફ્રાન્સના રાજદૂતો સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત પણ વિદેશ સચિવે એશિયા અને યુરોપના મહત્વના દેશોના રાજદૂતોને મળીને ઘટનાની ગંભીરતાથી વાકેફ કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીનો ચિતાર વધુ એક વખત આપ્યો હતો.

પુલવામાના હુમલામાં સંડોવાયેલા સાત શકમંદોની ધરપકડ

પુલવામા સીઆરપીએફના જવાનો ઉપર થયેલાં આતંકવાદી હુમલા પછી યુદ્ધના ધોરણે તપાસ શરૃ કરાઈ હતી. એ દરમિયાન હુમલામાં સંડોવાયેલા સાત શકમંદોની ધરપકડ કરવામાં સુરક્ષાતંત્રને સફળતા મળી હતી. સાતેય આરોપીઓ પુલવામા જિલ્લાના છે. હુમલાના પ્લાનિંગમાં આ શકમંદોની સંડોવણી હતી અને હુમલાની આગલી રાતે એની શંકાસ્પદ ગતિવિધિ નોંધાઈ હોવાનું સુરક્ષાતંત્રએ ઔકહ્યું હતું.

 જૈશ-એ-મોહમ્મદ સાથે સંડોવાયેલા પાકિસ્તાની નાગરિક કામરાને હુમલાનું ષડયંત્ર ઘડયું હતું. કારમાં આત્મઘાતી હુમલો કર્યો હતો એ આતંકવાદીની ઓળખ આદિલ અહમદ તરીકે થઈ હતી. એ પણ પુલવામાના કાકાપોરનો વતની હતો અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે ૨૦૧૮માં જોડાયો હતો.

Gujarat