India

દિલ્હીમાં પોલીસના દંડા સામે જેન-ઝીએ તિરંગો લહેરાવ્યો

By GS Team
17 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા તિરંગા સાથે વિરોધ પ્રદર્શનો કરાયા હતા. દિલ્હી પોલીસે અભિજીત દીપકે અને નેહા બોરા સહિત 150થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. 6000 પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળોની તૈનાતી વચ્ચે જેન-ઝી રસ્તા પર ઉતર્યા હતા. સુપ્રીમે વેપારીઓને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં પોલીસના દંડા સામે જેન-ઝીએ તિરંગો લહેરાવ્યો
  • કનોટ પ્લેસ સહિતના સ્થળોએ દેખાવકારો-પોલીસ વચ્ચે ઘર્ષણ
  • દીપકેને ઘરેથી જ્યારે નેહાને અધવચ્ચે જ અટકાયતમાં લેવાયા, 150થી વધુ યુવાનોને પોલીસ ટિંગાટોળી કરી ઉઠાવી ગઇ
  • 6૦૦૦ પોલીસકર્મીઓ, અર્ધ સૈન્ય દળની 220 કંપનીઓ, અનેક સીસીટીવી-ડ્રોનની તૈનાતી વચ્ચે જેન-ઝી ફરી રસ્તા પર ઉતર્યા
  • પ્રદર્શનો-પ્રતિબંધો વચ્ચે વેપારીઓને નુકસાન થયું તો વળતર અંગે આદેશ આપવા વિચારીશું : સુપ્રીમ

નવી દિલ્હી : દિલ્હીમાં શુક્રવારે કોકરોચ જનતા પાર્ટી, વિદ્યાર્થી સંગઠનો દ્વારા તિરંગા સાથે વિરોધ પ્રદર્શનો કરાયા હતા, દિલ્હી પોલીસે કોકરોચ પાર્ટીના અભિજીત દિપકે, ડાબેરી વિદ્યાર્થી સંગઠનની નેહા બોરા સહિત ૧૫૦થી વધુની અટકાયત કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં જેન-ઝી તિરંગા સાથે એકઠા થયા હતા અને કનોટ પ્લેસ સહિતના વિસ્તારોમાં તિરંગો લહેરાવ્યો હતો. બાદમાં પોલીસે તિરંગા સાથે જ યુવાનોની બળજબરીથી ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે પ્રદર્શનો અને પ્રતિબંધો વચ્ચે વેપારીઓને નુકસાન મુદ્દે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી હતી.
જંતર મંતરમાં ઘૂસીને કોકરોચ પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા, સૌરવ દાસે તિરંગો લહેરાવ્યો હતો, પ્રવેશવા પર પ્રતિબંધના આદેશનો ભંગ કરવા બદલ બન્નેની ધરપકડ કરીને પાંચ દિવસ તિહાર જેલમાં મોકલી દેવાયા છે. આ મુદ્દે કોકરોચ પાર્ટીના અભિજીત દિપકેએ દિલ્હીમાં કનોટ પ્લેસ પાસે તિરંગા સાથે માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. શુક્રવારે આ માર્ચ નીકળે તે પહેલા દિલ્હી પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી લીધી હતી. જ્યારે નેહા બોરા સહિતના વિદ્યાર્થીઓએ તિરંગા માર્ચ કાઢી હતી. જોકે નેહા કનોટ પ્લેસ પહોંચે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી હતી. સાંજ થયા બાદ યુવતીઓ સહિત તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૬૦૦૦ જેટલા સુરક્ષાકર્મીઓને કનોટ પ્લેસ વિસ્તારમાં તૈનાત કરાયા હતા. સાથે જ અર્ધ સૈન્ય દળોની ૨૨૦ કંપનીઓ અને અનેક સીસીટીવી કેમેરા, ડ્રોનની બાજ નજર વચ્ચે યુવાનો રસ્તા પર ઉતર્યા હતા.
દિલ્હીમાં શુક્રવારે કોકરોચ જનતા પાર્ટી, એસએફઆઇ, ડીવાયએફઆઇ, એઆઇએસએફ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા તિરંગા સાથે માર્ચ કાઢવામાં આવી હતી. જોકે તિરંગા માર્ચમાં જોડાય તે પહેલા દિપકેને પોલીસ ઘરેથી ઉઠાવી ગઇ હતી, જ્યારે નેહા બોરાની મંડી હાઉસ પાસે ્અટકાયત કરાઇ હતી. એક તરફ વિદ્યાર્થીઓના હાથમાં તિરંગો તો બીજી તરફ તેમને રોકવા માટે દંડા હાથમાં લઇને ખડેપગે તૈનાત પોલીસ બન્ને વચ્ચે થોડા સમય માટે જપાજપી થઇ હતી. જોકે પોલીસે અંતે તમામની અટકાયત કરી લીધી હતી. શુક્રવારના આ વિરોધ પ્રદર્શનોને લેહરા દો તિરંગા નામ આપવામાં આવ્યું હતું. તિરંગો લહેરાવવા બદલ કોકરોચ પાર્ટીના નેતાઓની ધરપકડ અને જેલમાં મોકલવા મુદ્દે પ્રતિકાર તરીકે તિરંગાને લહેરાવીને જેન-ઝીએ સરકારને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો.
બીજી તરફ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે, પ્રશાસન દ્વારા સુરક્ષાદળોની તૈનાતીની સાથે કેટલાક પ્રતિબંધો પણ મુકાતા રહ્યા છે. ેએવામાં દિલ્હીના વેપારીઓએ ન્યૂ દિલ્હી મ્યૂનિ. કાઉન્સિલના પ્રતિબંધો સામે સુપ્રીમમાં અરજી કરી છે. જેમાં વેપારીઓએ એવી દલીલ કરી છે કે પ્રતિબંધો અને પ્રદર્શનોને કારણે વેપારીઓને દિવસમાં રૂ. ૨૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે. આ અરજીની તાત્કાલીક સુનાવણી કરવાની માગ ઠુકરાવતા સુપ્રીમે કહ્યું હતું કે હાલના (તહેવારો)ના દિવસોમાં નાના દુકાનદારો પોતાની રોજીરોટી રળતા હોય છે, અમને એ પણ ખ્યાલ છે કે તેમનો પુરો પરિવાર હાડમારી ભોગવતો હોય છે. અમે આ મુદ્દે જરૂર દખલ દઇશું, સાથે જ આશા રાખીએ છીએ કે સૌને સદબુદ્ધી આવશે. કેટલાક લોકોને ધરણા પ્રદર્શનો કરવા છે તો કેટલાક લોકોને મગફળી વેચવી છે, કેટલાક લોકો કાયદો વ્યવસ્થા જાળવવા માગે છે. જો નુકસાન પાછળ પ્રશાસન જવાબદાર હશે તો વળતર અપાવીશું. જ્યારે કોકરોચ પાર્ટીના અભિજીત દિપકેએ કહ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શનોથી નહીં પણ સરકારના પ્રતિબંધોને કારણે વેપારને નુકસાન થઇ રહ્યું છે.