India

અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક કોડ! એર ઇન્ડિયા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

By GS Team
14 Oct 20263 mins read
TukuTouch Logo
ફ્રેન્કફર્ટથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2030માં હાઇજેક એલર્ટ મળતા ખળભળાટ મચી ગયો હતો. ભારતીય એરસ્પેસમાં પ્રવેશતા જ આ એલર્ટ મળતા, 306 મુસાફરો સાથેની ફ્લાઇટને તાત્કાલિક જયપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. સુરક્ષિત લેન્ડિંગ બાદ CISF અને બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પાયલટની ભૂલથી હાઇજેક કોલ થયો હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક કોડ! એર ઇન્ડિયા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

Frankfurt-Delhi Air India Flight Diverted to Jaipur After Suspected Hijack Alert | જર્મનીના ફ્રેન્કફર્ટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બુધવારે સવારે ડરામણો ઘટનાક્રમ સર્જાયો હતો. ભારતીય એરસ્પેસમાં પ્રવેશતી વખતે જ વિમાન હાઇજેક થવાની શંકાનો એલર્ટ મળતાં સુરક્ષા તંત્રમાં ભારે હલચલ મચી ગઈ હતી. પ્રોટોકોલ અનુસાર દિલ્હી આવી રહેલી ફ્લાઇટને તાત્કાલિક જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી.

પ્રારંભિક બોમ્બ થ્રેટની ચર્ચા વચ્ચે હાઇજેકની અફવા

ફ્લાઇટ નંબર AI 2030 જયપુર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ થયા બાદ શરૂઆતમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, એરપોર્ટના સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ બોમ્બની ધમકી નહોતી પરંતુ હાઇજેકની અફવા સંબંધિત એલર્ટ હતું. મીડિયા અહેવાલો અનુસાર એક એરપોર્ટ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ હાઇજેકની અફવા હતી, બોમ્બની ધમકી નહીં. આ મામલે સત્તાવાર ટિપ્પણી કરવી હાલ બહુ વહેલી ગણાશે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે એરક્રાફ્ટ ભારતીય એર સ્પેસની નજીક પહોંચ્યું ત્યારે આ સુરક્ષા એલર્ટ સામે આવ્યું હતું. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને તુરંત વાકેફ કરવામાં આવી હતી, જેના પગલે વિમાનને દિલ્હીને બદલે જયપુર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો હતો.

આઇસોલેશન બેમાં વિમાન ખસેડાયું: CISF અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

જયપુર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થતાંની સાથે જ CISF, રાજસ્થાન પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાન તેમજ તમામ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢીને એરપોર્ટ ટર્મિનલના નિયુક્ત હોલ્ડિંગ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના પ્રારંભિક તબક્કે એરપોર્ટ ઓથોરિટી કે એર ઇન્ડિયા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

306 મુસાફરો સુરક્ષિત: 'કોઈ ગભરાટની જરૂર નથી'

જયપુર એરપોર્ટના વડા ચરણ સિંહે જણાવ્યું હતું કે ફ્લાઇટમાં સવાર તમામ 306 મુસાફરો બુધવારે સવારે 9.35 વાગ્યે જયપુર એરપોર્ટ પર સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ઉતરી ગયા છે. તેમણે ઉમેર્યું કે મુસાફરોને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવશે.

પાયલટ તરફથી ભૂલથી કોલ થઈ ગયો હોવાની આશંકા

સૌથી મોટો ચોંકાવનારો વળાંક એ સામે આવ્યો છે કે આ આખી કવાયત કદાચ પાયલટની એક ભૂલનું પરિણામ હોઈ શકે છે. જયપુર એરપોર્ટ ડિરેક્ટર ચરણ સિંહે જણાવ્યું કે પ્રાથમિક સંકેતો મુજબ એવું જણાય છે કે પાયલટે ભૂલથી હાઇજેકનો કોલ કે સ્ક્વોક કોડ જારી કરી દીધો હોઈ શકે છે. જોકે, આ ઘટના પાછળના સાચા તથ્યો જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન અને ઉડ્ડયન સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

અમદાવાદ ATCને મળ્યો સંકેત: શું છે 'Squawk 7500' કોડ?

અહેવાલો અનુસાર, ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાને હવામાં અચાનક 'Squawk 7500' કોડ ટ્રાન્સમિટ કર્યો હતો. આ ચેતવણી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને પ્રાપ્ત થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વિમાનને જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. જોકે, કયા સંજોગોમાં આ ચેતવણી જનરેટ થઈ તેની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ શકી નથી.

વિમાન ઉડ્ડયન ક્ષેત્રે 'Squawk 7500' એ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત એવો ટ્રાન્સપોન્ડર કોડ છે, જેનો ઉપયોગ પાયલટ ત્યારે જ કરે છે જ્યારે વિમાન હાઇજેક થયું હોય અથવા પ્લેનમાં કોઈ ગેરકાયદેસર દખલગીરી થઈ રહી હોય. મુસાફરોના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે વિમાનમાં સવાર તમામ લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.