For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 22 પૂર્વ મુખ્યમંત્રીઓ લડી રહ્યા છે લોકસભા ચૂંટણી, જુઓ સંપૂર્ણ યાદી

Updated: Apr 16th, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 22 પૂર્વ મુખ્યમંત્રીઓ લડી રહ્યા છે લોકસભા ચૂંટણી, જુઓ સંપૂર્ણ યાદી

Lok Sabha Elections 2024: સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 18મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત 22 પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. ચાલો જાણીએ ક્યા નેતા ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના 11 જ્યારે કોંગ્રેસના 5 પૂર્વ સીએમ સામેલ

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ 19મી એપ્રેલિ થવાનું છે ત્યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્વામી, ચરણજીત સિંહ ચન્ની, જીતન રામ માંઝી, ભૂપેશ બઘેલ, મનોહર લાલ ખટ્ટર અને બિપ્લબ કુમાર સહિત 22 પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણીના મેદનામાં ઉતર્યા છે જેમાંથી ભાજપના 11 જ્યારે કોંગ્રેસના 5 સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પછી રાજનાથ સિંહ 2000થી 2002 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ આ વખતે લખનઉથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી  મનોહર લાલ ખટ્ટર કરનાલ સંસદીય ક્ષેત્રથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અર્જુન મુંડા ઝારખંડની ખુંટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2003થી 2006 અને ફરીથી 2010થી 2013 સુધી ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. 

ભાજપે રાવતને ઉત્તરાંખડ હરિદ્વારથી ટિકિટ આપી

આ ઉપરાંત જગદીશ શેટ્ટર બેલગામ બેઠક પરથી જ્યારે બસવરાજ બોમાઈ હાવેરીથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સિવાય ભાજપે ત્રિવેન્દ્ર સિંહ રાવતને ઉત્તરાખંડના હરિદ્વારથી ટિકિટ આપી છે. તો એચડી કુમારસ્વામી માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપ-જેડીએસનું ગઠબંધન છે. નલ્લારી કિરણ કુમાર રેડ્ડી આંધ્ર પ્રદેશના રાજમપેટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી બેઠક પરથી ઉભા રહ્યા છે. 

લિસ્ટમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સામેલ

બિપ્લબ કુમાર દેબ ભાજપની ટિકિટ પર ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ઓ પનીરસેલ્વમ (ભાજપ સમર્થિત સ્વતંત્ર) તમિલનાડુના રામનાથપુરમથી ચૂંટણી લડી રહ્યા છે. જીતન રામ માંઝીને ગયા બેઠક પરથી ઉભા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે માંઝીની પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન છે. આ લિસ્ટમાં કોંગ્રેસના દિગ્વિજય સિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ, ઓમર અબ્દુલ્લા બારામુલાથી, મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરીથી, ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરીથી, વી વૈથિલિંગમ પુડુચેરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે

નોંધનીય છે કે 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ યોજાશે. ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને 272 બેઠકો જીતવી આવશ્યક છે. 2019માં છેલ્લી ચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ 303 બેઠકો જીતી હતી, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી.

Article Content Image

Gujarat