India

કાશ્મીરમાં અનંતનાગ-પહલગામમાં આભ ફાટતાં પૂરની સ્થિતિ, હોટેલ-ઘર બધુ પાણીમાં ગરકાવ

By GS Team
12 Jul 20263 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરમાં કુદરતના પ્રકોપથી અનંતનાગ જિલ્લામાં 2 સ્થળોએ વાદળ ફાટ્યા હતા. શંગસ અને પહલગામમાં ફ્લેશ ફ્લડથી ખેતરો, બગીચા, ઝૂંપડીઓ અને હોટલોને નુકસાન થયું છે. આરિપથ અને ઓવેરા નાળામાં પાણી વધતાં અફરાતફરી મચી હતી. વહીવટીતંત્ર દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

કાશ્મીરમાં અનંતનાગ-પહલગામમાં આભ ફાટતાં પૂરની સ્થિતિ, હોટેલ-ઘર બધુ પાણીમાં ગરકાવ
IMAGE - IANS

Kashmir Cloudburst: જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. અહીં બે અલગ-અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે. વાદળ ફાટ્યા બાદ આવેલી અચાનક પૂરના કારણે લોકોના ઘરો, ખેતરો અને હોટલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પહેલા ડોડામાં પણ વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી હતી. હવામાન વિભાગે હજુ પણ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

અનંતનાગમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા, અફરાતફરીનો માહોલ

પ્રાથમિક માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે મોડી સાંજે બે અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી. આ આકાશી આફત બાદ આવેલી ફ્લેશ ફ્લડના કારણે શંગસ અને પહલગામ વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ બંને ઘટનાઓમાં ખેતીની જમીન, બગીચાઓ, ઝૂંપડીઓ અને કેટલીક હોટલોને મોટું નુકસાન પહોંચ્યું છે.

ખેતરો અને ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

પહેલી ઘટના શંગસ વિસ્તારના ચિટરગુલ (ચાટેરગુલ)ની ઉપરની પહાડીઓમાં બની હતી. અહીં વાદળ ફાટ્યા બાદ આરિપથ (અરપત) નાળાનું જળસ્તર અચાનક જોખમી રીતે વધી ગયું હતું. પાણીના તેજ પ્રવાહની સાથે આવેલો કાદવ અને કાટમાળ ડાંગરના ખેતરો, બગીચાઓ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયો હતો. જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેથી નુકસાનનો અંદાજ લગાવી શકાય.

પહલગામની હોટલોમાં ઘૂસ્યા પૂરના પાણી, પ્રવાસીઓ સુરક્ષિત

આ ઘટનાના આશરે એક કલાક બાદ, બીજી ઘટના પહલગામના ઓવેરા વાઇલ્ડલાઇફ સેન્ચુરી વિસ્તારમાં બની હતી. અહીં વાદળ ફાટવાને કારણે ઓવેરા નાળામાં અચાનક પૂર આવ્યું હતું. પૂરના તેજ પાણી આસપાસની ઘણી ઝૂંપડીઓ અને હોટલો સુધી પહોંચી જતાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે નાળા કિનારે આવેલી એક હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટીતંત્ર, પૂર નિયંત્રણ વિભાગ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાયો

કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. બટકૂટ રિસીવિંગ સ્ટેશન સાથે જોડાયેલા તમામ 11 કેવી ફીડરોનો વીજ પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અવૂરા, દહવાતૂ, લદ્દી અને બટકૂટ વિસ્તારોમાં વીજ સેવા રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને જરૂર પડ્યે વધારાની રાહત ટીમો પણ તહેનાત કરવામાં આવશે.

પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એડવાઇઝરી

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક લોકો અને પ્રવાસીઓને નદી-નાળા અને જળાશયોના કિનારે ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને આરિપથ અને ઓવેરા નાળાની આસપાસ બિનજરૂરી અવરજવર ટાળવા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. હાલમાં આ ઘટનાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.