India

SIRમાંથી 30 મુસ્લિમોના નામ કાઢી નાખવા પહેલાથી જ પ્રિન્ટ કરેલા ફોર્મ-7 જમા કરાવતો ભાજપનો એજન્ટ પકડાતાં FIR

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
તેલંગાણામાં બોગસ ફોર્મ-7 જમા કરાવી મતદાર યાદીમાંથી નામ હટાવવાના મામલે પ્રથમ FIR નોંધાઈ છે. હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભાજપના BLA એસ. બાલચંદર વિરુદ્ધ 30 મુસ્લિમ મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધાયો છે. આ ફોર્મ્સ પ્રી-પ્રિન્ટેડ હતા, જે BLOએ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. આ અંગે CEOએ કાર્યવાહીના આદેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIRમાંથી 30 મુસ્લિમોના નામ કાઢી નાખવા પહેલાથી જ પ્રિન્ટ કરેલા ફોર્મ-7 જમા કરાવતો ભાજપનો એજન્ટ પકડાતાં FIR

Telangana Fake Form-7: તેલંગાણામાં મતદાર યાદીમાંથી નામ હટાવવા માટે કથિત રીતે બોગસ ફોર્મ-7 જમા કરાવવા મામલે પ્રથમ FIR નોંધવામાં આવી છે. હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભાજપના એક બૂથ લેવલ એજન્ટ (BLA) વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે તેણે મુશીરાબાદ વિધાનસભા મતક્ષેત્રના 30 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ફોર્મ-7 જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ મતદાતાઓ મુસ્લિમ હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી રાજ્યમાં મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) હેઠળ દાવા અને વાંધાઓ નોંધાવવાની પ્રક્રિયા પૂરી થવાના એક દિવસ પહેલા થઈ છે.

ભાજપના એજન્ટ સામે FIR કેમ થઈ?

એક અહેવાલ પ્રમાણે પોલીસે ભાજપના એસ. બાલચંદર વિરુદ્ધ મુશીરાબાદના ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર(ERO) ટી. પ્રવીણ કુમાર રેડ્ડીની ફરિયાદ પર FIR નોંધી છે. પ્રાથમિક તપાસમાં કથિત રીતે સામે આવ્યું કે, બાલચંદરે જે ફોર્મ-7 જમા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં સંબંધિત મતદારોના નામ પહેલાથી જ પ્રિન્ટ કરેલા હતા.

ભાજપના રાજકીય વિરોધીઓએ આ પ્રી-પ્રિન્ટેડ ફોર્મને પાર્ટી કાર્યાલયમાંથી 'કેન્દ્રીય રીતે તૈયાર' કરવામાં આવ્યા હોવાનો પુરાવો ગણાવ્યો છે. હૈદરાબાદના બહાદુરપુરા અને ગોશામહલ વિધાનસભા વિસ્તારોમાંથી પણ મતદારોની માહિતી પહેલાથી પ્રિન્ટ થયેલી હોય તેવા જ ફોર્મ સામે આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે.

BLOએ ફોર્મ સ્વીકારવાનો કર્યો ઇન્કાર, પરિસર છોડીને જતો રહ્યો

FIR પ્રમાણે બાલચંદર 28 સપ્ટેમ્બર 2026ના રોજ મતદાન મથક નંબર 210ના બૂથ લેવલ ઑફિસર(BLO) પાસે 30 પ્રી-પ્રિન્ટેડ ફોર્મ-7 લઈને પહોંચ્યો હતો. આરોપ છે કે આ ફોર્મ્સ દ્વારા એવા મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમનાથી તેનો કોઈ સંબંધ નહોતો. FIRમાં જણાવાયું છે કે BLO અને BLO સુપરવાઇઝરે આ ફોર્મ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આમ છતાં ભાજપના BLAએ વારંવાર ફોર્મ સ્વીકારવાની વિનંતી કરી. જ્યારે ફોર્મ સ્વીકારવામાં ન આવ્યા, ત્યારે બાલચંદર તેને BLOના પરિસરમાં મૂકીને ત્યાંથી જતો રહ્યો.

તપાસમાં 30 લોકો મુશીરાબાદના નિવાસી મળ્યા

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 1 ઑક્ટોબરે વ્યક્તિગત ધોરણે ફિલ્ડ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે જે 30 લોકોના નામ ફોર્મ-7 દ્વારા હટાવવા માટે આપવામાં આવ્યા હતા, તેઓ તમામ હૈદરાબાદના મુશીરાબાદના જ નિવાસી છે. આ જ આધારે FIRમાં કહેવામાં આવ્યું કે, સંબંધિત ફોર્મ-7 સ્વીકારી શકાય નહીં અને તેને રદ કરવામાં આવવા જોઈએ. આ 30 લોકોમાં કોંગ્રેસના એક BLA પણ સામેલ હોવાનું જણાવાયું છે.

કઈ કલમો હેઠળ કેસ દાખલ થયો?

બાલચંદર સામે BNSની કલમ 217 અને 318(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો સરકારી અધિકારીને ખોટી માહિતી આપવા અને છેતરપિંડી કરવા સંબંધિત છે. આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 પણ લગાડવામાં આવી છે.

બોગસ ફોર્મ-7 દાખલ કરનારા સામે કાર્યવાહીનો નિર્દેશ

તેલંગાણાના મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) સી. સુદર્શન રેડ્ડીએ સોમવારે રાજ્યના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અને જિલ્લા નિર્વાચન અધિકારીઓને બોગસ ફોર્મ-7 દાખલ કરનારાઓ સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. CEOએ કહ્યું હતું કે, 'આ પ્રકારના કેસ મારા ધ્યાન પર આવ્યા છે.'

ઓવૈસીએ ગોશામહલ કેસનો પણ ઉલ્લેખ કર્યો

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે, ગોશામહલ વિધાનસભા ક્ષેત્રમાં પણ મુસ્લિમ મતદાતાઓના નામ હટાવવા માટે બોગસ ફોર્મ-7 દાખલ કરવામાં આવ્યા છે. તેમણે CEO પાસે એવા લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી, જેમના પર મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ છે.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ એન. રામચંદર રાવે પાર્ટી તરફથી મતદારોના નામ હટાવવાના કોઈપણ પ્રયાસનો ઈનકાર કર્યો છે. તેમણે કોંગ્રેસ પર ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા સામે જનતાને 'ગેરમાર્ગે દોરવાનો' આરોપ લગાવ્યો.

SIR પહેલાં તેલંગાણામાં કેટલા મતદારો હતા?

તેલંગાણામાં 15 જૂને SIR પ્રક્રિયા શરૂ થયા પહેલા 3.39 કરોડ મતદારો હતા. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.39 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે, જ્યારે 92 લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. રાજ્યની અંતિમ મતદાર યાદી 9 નવેમ્બરે પ્રકાશિત થશે.