ભારતને UNSCમાં સામેલ કરો નહીંતર નબળું જ રહેશે સંયુક્ત રાષ્ટ્ર, જાણો કયા દેશે આપી ચેતવણી

Finland President Alexander Stubb On India : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતની તરફેણમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘જો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં સામેલ નહીં કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર નબળું પડી જશે. તેમણે યુએનએસસીમાં ભારતનો સમાવેશ કરવાની કડક શબ્દોમાં હિમાયત કરી છે.
વૈશ્વિક વિકાસમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ
મીડિયા રિપોર્ટ મુજબ ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને વિદેશ મંત્રી એસ.જયશંકર (S. Jaishankar)નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ‘વૈશ્વિક સ્થિરતા જાળવી રાખવામાં અને વૈશ્વિક વિકાસમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
ભારત સુપરપાવર બનશે : એલેક્ઝાન્ડર સ્ટબ
એલેક્ઝાન્ડર સ્ટબે કહ્યું કે, ‘હું ભારતનો ખૂબ મોટા પ્રશંસક છું અને મને લાગે છે કે અમેરિકા અને ચીન સાથે ભારત આપણો આગામી સુપરપાવર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે વિદેશ મંત્રી જયશંકર, વર્તમાનમાં ભારત જે કરી રહ્યું છે, તેમાં વ્યૂહાત્મક વિચારધારાની ઝલક જોવા મળે છે, જેના કારણે વિશ્વભરમાં તેઓને સન્માન મળે છે.’
‘ભારત જેવા દેશો સુરક્ષા પરિષદમાં ન હોય તે ખોટું’
તેમણે કહ્યું કે, ‘મેં યુએનની મહાસભામાં બે વખત આ વાત કહી છે. હું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો વિસ્તાર વધે, તેવું ઇચ્છું છું, તેમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બમણી થવી જોઈએ. ભારત જેવા દેશો સુરક્ષા પરિષદમાં ન હોય તે ખોટું છે. લેટિન અમેરિકામાંથી એક, આફ્રિકામાંથી બે અને એશિયામાંથી બે સભ્યોને આમાં સામેલ કરવા જોઈએ.’
આ પણ વાંચો : અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત

