'ગાંધી, પટેલ અને નહેરુ સામે પણ FIR કરો...' વંદે માતરમ વિવાદ અંગે ખડગેની ભાજપને ચેલેન્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mallikarjun Kharge On Vande Mataram Controversy : નવી દિલ્હી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય દિવસના ધ્વજારોહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ અધવચ્ચે રોકવા મુદ્દે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. આ મામલે ભાજપ દ્વારા રાષ્ટ્રીય ગીતના અપમાનનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા કોંગ્રેસ અધ્યક્ષે આકરો પલટવાર કરી ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
મલ્લિકાર્જુન ખડગેનો ભાજપને સણસણતો જવાબ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) ભાજપના આક્ષેપો અને પોલીસ ફરિયાદની વાત પર આક્રમક જવાબ આપતા કહ્યું કે, ‘અમે કંઈ ખોટું કર્યું નથી અને આ લોકો કઈ બાબતની ફરિયાદ નોંધાવશે? અમે એ જ વંદે માતરમ્ ગાયું હતું જે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલ ગાતા હતા. વાજપેયી સરકારના કાર્યકાળ સહિત આ લોકો પણ છેલ્લા 18 વર્ષો અને વર્તમાન સરકારમાં છેલ્લા 12 વર્ષોથી આ જ રીતે ગાતા આવ્યા છે. જો આવું કરવું અપરાધ હોય તો શું આ લોકો 18 વર્ષ સુધી અપરાધ કરતા રહ્યા? શું તેઓ ગાંધીજી, નેહરુ અને સરદાર પટેલ પર પણ કેસ દાખલ કરશે? તેમણે ઉમેર્યું કે ભાજપને ઇતિહાસની ખબર નથી, ભાજપના લોકો જન્મ્યા પણ નહોતા ત્યારે કોંગ્રેસે વંદે માતરમને રાષ્ટ્રીય ગીત બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો, તેથી તેઓ અમને જ્ઞાન ન આપે. કોંગ્રેસ છેલ્લા 90 વર્ષોથી આ જ વંદે માતરમ્ ગાતી આવી છે અને આ લોકો જે કહી દે તે કાયદો બની જતો નથી.’
ભાજપના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા : જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) પક્ષનો પક્ષ રાખતા જણાવ્યું કે, ‘ભાજપના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. સોનિયા ગાંધીએ ગીત રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો, પરંતુ તેઓ લાંબા સમયથી ઊભેલા પક્ષપ્રમુખ માટે માત્ર ખુરશી લાવવા અંગે ઈશારો કરી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વંદે માતરમ્ નવી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ અનુસાર જ ગવાયું હતું. નીટ પેપર લીક અને યુજીસી-નેટ પેપર લીક જેવા વિવાદોથી સર્જાયેલા યુવા આક્રોશ અને જનઆંદોલનથી ડરીને લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ આ ખોટો બખેડો ઊભો કરી રહ્યો છે.’
શું હતો સમગ્ર વિવાદ?
15 ઓગસ્ટે ધ્વજારોહણ કાર્યક્રમમાં વંદે માતરમ્ ગાન દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં વંદે માતરમ્ બે-ત્રણ અંતરા પછી ચાલુ રાખવા સામે સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ઈશારા કરી વાંધો ઉઠાવવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ મામલે કર્ણાટકના મેંગ્લુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા વિકાસ કે અને રાજગોપાલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં પણ 16 ઓગસ્ટે એક વકીલ દ્વારા રાહુલ ગાંધીએ કથિત રીતે 'અમે વંદે માતરમ નહીં ગાઈએ' તેમ કહ્યું હોવાનો આરોપ લગાવી તપાસની માંગ કરતી ફરિયાદ દાખલ કરાઈ હતી.









