વાયુસેનાના ફાઇટર પ્લેન મિગ-21ની થશે વિદાય, 62 વર્ષમાં અનેકવાર શક્તિશાળી વિમાને દુશ્મનોને હંફાવ્યા
MIG 21 Retires: ભારતીય વાયુ સેનાનું સૌથી મુખ્ય ફાઇટર ફ્લાઇટ મિગ-21ને હવે વિદાય આપવામાં આવશે. 62 વર્ષમાં દરેક નાના મોટા લશ્કરી યુદ્ધમાં દુશ્મનોને હંફાવનાર સુપરસોનિક ફાઇટર પ્લેનને 19 સપ્ટેમ્બરે ઔપચારિક રીતે વિદાય આપવામાં આવશે. ફાઇટર પ્લેનના સન્માનમાં ચંદીગઢ એરબેઝ પર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવશે. મિગ-21 હાલના સમયમાં પેન્થર્સ 23 સ્ક્વોડ્રનનો ભાગ છે.
સંરક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય વાયુસેના આ વર્ષ સપ્ટેમ્બર સુધીમાં મિગ 21 ફાઇટર પ્લેનને તબક્કાવાર બંધ કરશે. આ ફાઇટર પ્લેનનું સંચાલન કરનારી સ્ક્વોડ્રન વર્તમાન સમયમાં રાજસ્થાનના નલ એરબેઝ પર છે. તેમણે કહ્યું કે, હવે LCA Mark-1A ફાઇટર પ્લેન ભારતીય વાયુસેનામાં મિગ-21 વિમાનોની જગ્યા લેશે.
ભારતનું પહેલું સુપરસોનિક વિમાન
મિગ-21 ભારતનું પહેલું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ હતું. તેને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિમાને 1960 અને 70ના દાયકામાં ટૅક્નોલૉજીકલ રીતે સફળતા મેળવી હતી. ભારતીય વાયુસેના પાસે હાલમાં મિગ 21ના બધા મોડેલ છે. મિગ 21 વિમાને 1965ના ભારત-પાક યુદ્ધ, 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ, 1999માં કારગિલ યુદ્ધ અને 2019માં બાલાકોટ હવાઈ હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એવું પણ કહેવાય છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પણ મિગ 21 ઍલર્ટ પર હતું.
ભારતે મિગ-21 રશિયા પાસેથી લગભગ 125 કરોડ રુ.માં ખરીદ્યા
એક માહિતી પ્રમાણે મિગ-21 રશિયા પાસેથી લગભગ 125 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. ભારત સરકારે 874 મિગ-21 ખરીદ્યા હતા. વિશ્વના લગભગ સાઠ દેશોએ આ લડાકુ વિમાનોના કાફલામાં 'મિગ-21' સુપરસોનિકનો સમાવેશ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિમાનના ક્રેશ થવાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એ પછી તેને ઉડતી શબપેટી તરીકે ઓળખવામાં આવતું હતું. આ પછી, વિમાનને નિવૃત્ત કરવા અંગે ચર્ચાઓ શરુ થઈ.
આ પણ વાંચો: બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
મિગ-21 સૌથી લાંબો સમય વાયુસેનાનો ભાગ રહ્યું
વિમાન નિષ્ણાતોના મતે, મિગ-21 સૌથી લાંબા સમય સુધી ભારતીય વાયુસેનાનો ભાગ રહ્યું છે. 1965થી અત્યાર સુધી, તે દરેક લશ્કરી કામગીરીમાં સામેલ રહ્યું છે. તેની નિવૃત્તિ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાયુસેનાના તમામ વરિષ્ઠ અધિકારીઓ ચંદીગઢમાં યોજાનાર વિદાય સમારંભમાં ભાગ લેશે.