બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
Air india: એર ઇન્ડિયાએ પોતાના તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ(FCS)ના લોકિંગ મિકેનિઝમની સાવધાનીથી તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. એર ઇન્ડિયાના જણાવ્યાનુસાર, '14મી જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલી DGCAની સૂચનાઓનું પાલન કર્યું છે. બોઇંગ વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.'
તમામ બોઇંગ 787 અને 737 ફ્લાઇટનું નિરીક્ષણ
એર ઇન્ડિયાના જણાવ્યાનુસાર, 'તમામ બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોની ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તેમાં કોઈ સમસ્યા મળી નથી. 12મી જુલાઈથી શરુ થયેલી તપાસ પ્રક્રિયા ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી.
ડીજીસીએ દ્વારા બોઇંગ અને ભારતમાં કાર્યરત અન્ય વિમાનોની ફ્યુલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમની તપાસનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગેના 15 પાનાના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે ટેક ઑફ પછી એક સેકન્ડમાં એન્જિનને ફ્યુલ પૂરું પાડતી સ્વિચ બંધ થઈ ગઈ હતી.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા જીવ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12મી જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં AI 171 વિમાને ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બી.જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું. જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઇમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો મૃત્યુ થયા હતા.