'2027માં થઈ જઈશ નિવૃત્ત', 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું
Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસુ સત્રના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે બંધારણની કલમ 67 (A) ના આધારે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને રાજીનામું સોંપ્યું હતું. તેમનો કાર્યકાળ ઑગસ્ટ 2027 સુધી હતો, પરંતુ બે વર્ષ પહેલા જ પદ છોડી દેતાં રાજકારણમાં અનેક સવાલો ઊભા થયા છે.
11 દિવસ પહેલા કહ્યું હતું, '2027માં રિટાયર જઈ જઈશ'
ધનખડના રાજીનામાએ સૌને હેરાન કરી દીધા છે, કારણ કે 10 જુલાઈએ એક કાર્યક્રમમાં તેમણે પોતે કહ્યું હતું કે, હું મારો કાર્યકાળ પૂરો કરીશ અને 2027માં નિવૃત્ત થઈશ.' પરંતુ માત્ર 11 દિવસમાં અચાનક તેમનો નિર્ણય કેમ બદલાઈ ગયો અને તેમણે રાજીનામું આપી દીધું. આ પહેલા માર્ચમાં એકવાર છાતીમાં દુખાવો થતાં તેઓ એમ્સમાં ભરતી થયા હતા અને જૂનમાં ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ફરી બગડી હતી.
પીએમ મોદીએ બનાવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર
ધનખડને વર્ષ 2022માં એનડીએ સરકારના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 6 ઑગસ્ટ 2022માં થયેલા ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મોટા અંતરથી હરાવ્યા હતા. તેમણે 528 વોટ મળ્યા હતા, જ્યારે અલ્વાને 182 વોટ મળ્યા હતા. 10 ઑગસ્ટ 2022માં તેમણે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.