Female BLO Commits Suicide In West Bengal: દેશમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી(SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કોડીનારમાં શિક્ષકની આત્મહત્યા અને વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર કરુણ મોતની ઘટના હજુ તો તાજી જ છે ત્યાં હવે વધુ એક BLOએ સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક બૂથ લેવલ ઑફિસરે(BLO) આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ રિંકુ તરફદાર તરીકે થઈ છે, જે કૃષ્ણનગરના શાસ્તીતલા વિસ્તારની રહેવાસી હતી. તેઓ છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બંગાલઝી વિસ્તારમાં બૂથ નંબર 202 પર BLO તરીકે તહેનાત હતા.
પરિવારે જણાવ્યું કે, રિંકુ તરફદારે આત્મહત્યા પહેલાં એક સ્યુસાઇડ નોટ છોડી છે, જેમાં તેણે કથિત રીતે પોતાના મૃત્યુ માટે ચૂંટણી પંચ અને વહીવટી દબાણને જવાબદાર ઠેરવ્યું છે. પરિવારે દાવો કર્યો છે કે વ્યવસાયે Para-Teacher હતી, તેમ છતાં રિંકુને કોઈપણ છૂટછાટ આપવામાં ન આવી અને BLOનો ભારે કાર્યભાર તેના પર લાદી દેવામાં આવ્યો.
મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું
સ્યુસાઇડ નોટમાં કથિત રીત લખ્યું છે કે, 'મેં મારું 90% કામ પૂર્ણ કરી લીધું હતું પરંતુ ઓનલાઇન પ્રક્રિયા પૂરી ન કરી શકવાના કારણે હું ભારે તણાવમાં હતી.' પરિવારનો આરોપ છે કે રિંકુ ઓનલાઇન કામમાં બહુ પારંગત નહોતી.
નોટમાં રિંકુએ લખ્યું કે, 'મારાથી વધારે પડતું દબાણ સહન નથી થતું. મને સ્ટ્રોક નથી જોઈતો.' પરિવારના જણાવ્યા પ્રમાણે તે રાત્રે 11 વાગ્યા સુધી સામાન્ય હતી, પરંતુ સવારે તે કામ કરી રહી હતી અને કદાચ દબાણને કારણે તે તૂટી ગઈ.
આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ
પરિવારે નિષ્પક્ષ તપાસની માગ કરી
પરિવારના સભ્યોએ કહ્યું કે, 'એક સામાન્ય ગૃહિણી અને Para-Teacher પર આટલી મોટી જવાબદારી નાખવી તે કેટલું વાજબી છે? ઉચ્ચ અધિકારીઓ કેમ સમજી નથી શકતા કે કયું વ્યક્તિ કેટલું કામ સંભાળી શકે છે?' પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધીમાં 9 BLOનો જીવ ગયો
છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યોમાં BLOના મોત અને આત્મહત્યાના મામલા સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત, ગુજરાત, તમિલનાડુ અને કેરળમાં પણ BLOના મોત થયા છે. નાદિયા જિલ્લામાં તાજેતરના મામલા સાથે અત્યાર સુધીમાં 9 BLO કામના દબાણને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.


