SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

Gir Somnath Crime News: રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતી એક અત્યંત દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આજે (21 નવેમ્બર) ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. ત્રણ દિવસમાં બે શિક્ષકના મોતથી રાજ્યના શિક્ષક સંઘો અને રાજકીય પક્ષો તરફથી તંત્ર પર દબાણ વધ્યું છે, જ્યારે શિક્ષકોમાં BLO (બુથ લેવલ ઓફિસર)ની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે.
![]() |
કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં તેમણે સ્પષ્ટપણે SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ)ની કામગીરીના તણાવને જ આ અંતિમ પગલાનું કારણ ગણાવ્યું છે.
સુસાઇડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ
અરવિંદભાઈ વાઢેર વર્ષ 2010થી શિક્ષક તરીકે સેવામાં હતા અને હાલમાં તેઓને BLO (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે, તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઊભા થયેલા અસહ્ય માનસિક તણાવને લીધે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું
શિક્ષણ વ્યવસ્થા અને તંત્ર પર ગંભીર સવાલો
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે સતત બિન-શૈક્ષણિક કામગીરી, ખાસ કરીને BLOની કામગીરીમાં જોતરી દેવાતા શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે, 'બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.'
ત્રણ જ દિવસમાં બીજા શિક્ષકનું મોત
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં જ BLOની કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
કોડીનારના BLO ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ
આ તમામ વિવાદ વચ્ચે કોડીનારના BLO ગ્રુપના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અધિકારીઓ BLO શિક્ષકોને કામનું કેવું અસહ્ય ભારણ આપી રહ્યા છે. મામલતદાર કોડીનારે ગ્રુપમાં કરેલા મેસેજના બીજા ફકરામાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 'તમામ BLO અને સુપરવાઇઝરે મોડે સુધી કામ કરવું અને ફેસિલિટેશન સેન્ટર પણ મોડા સમય સુધી ચાલુ રાખવા'.
આ મેસેજના જવાબમાં એક BLO શિક્ષકે મેસેજ કર્યો હતો કે, "સાહેબ, હું સવારના ચાર વાગ્યાનો જાગું છું." આ એક જ વાક્ય BLO પર કામનું કેટલું ગંભીર ભારણ થોપવામાં આવી રહ્યું છે, તેની કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે.

આ ઘટનાની હું જાત તપાસ કરીશ: શિક્ષણ મંત્રી
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, 'આ ઘટનાની હું જાત તપાસ કરીશ. જવાબદારો સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.' આ દરમિયાન તેઓ મૃતક શિક્ષકના પરિવારને મળવા પણ રવાના થઈ ગયા હતા.
મૃતક શિક્ષકના પરિવારને રૂ. એક કરોડની સહાયની માગ
આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ અતિશય માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહા સંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે મૃતક શિક્ષકના પરિવારને રૂ. એક કરોડની સહાય આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે.
શિક્ષક સંઘની ઉગ્ર માંગણીઓ
રાજ્યના વિવિધ શિક્ષક સંઘોએ SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ની કામગીરીના અસહ્ય ભારણને તાત્કાલિક ઘટાડવા અને શિક્ષકોને BLOની ફરજમાંથી મુક્તિ આપવા માટે સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી છે. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં BLOની કામગીરીમાં ગેરહાજર રહેતા કે ટાર્ગેટ પૂરો ન કરતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢવાના નિર્ણય સામે પણ સંઘોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને 'ગુલામી પ્રથા' ગણાવી છે.
શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના સંગઠનનો આક્ષેપ છે કે, 95% જેટલા પ્રાથમિક શિક્ષકોને BLOની કામગીરી સોંપાઈ છે, જેના કારણે શિક્ષકો સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ કામગીરીમાં જોતરાયેલા રહે છે, અને શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું છે. શિક્ષક સંઘોની મુખ્ય માંગણી છે કે શિક્ષણ સિવાયની આ કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આવે, જેથી શિક્ષકો બાળકોને ભણાવવાના પોતાના મૂળભૂત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
મહિલા શિક્ષકોને મુક્તિ આપો
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહિલા શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા અને અન્ય 12 કેડરના કર્મચારીઓને આ કામગીરી સોંપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
મળતી માહિતી મુજબ SIRની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં 5.08 કરોડ મતદારો માટે લગભગ 50,963 BLO કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના શિક્ષકો છે.
વિપક્ષે તંત્ર પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ BLOના આપઘાતના મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 'એક તરફ ખેડૂતોને પેકેજના નામે પડીકું આપવામાં આવી રહ્યું હોવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો બીજી તરફ BLOને માનસિક ત્રાસ અપાઇ રહ્યો છે, જેના લીધે BLO કંટાળીને આત્મહત્યા કરી રહ્યા છે. રાજકીય એજન્ડાને પાર પાડવા માટે બીએલઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર આ મામલે જલદી યોગ્ય કાર્યવાહી નહી કરે તો આગામી સમયમાં કર્મચારીઓમાં રોષ ફાટી નીકળશે.
ભાજપ ઉતાવળે મતદાર યાદી તૈયાર કરે છે: કોંગ્રેસ
તો રાજકોટમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ ઉતાવળે મતદાર યાદી તૈયાર કરી રહી છે, જેનો હેતુ ગેરરીતિ દ્વારા ચૂંટણી જીતવાનો હોઈ શકે છે. કોંગ્રેસ આખરી મતદાર યાદી બહાર પડ્યા બાદ ઘરે-ઘરે જઈને નામ રહી ગયા છે કે ખોટા નામો ઉમેરાયા છે તેની ઝીણવટભરી તપાસ કરશે.
દેશના અન્ય રાજ્યોમાં પણ નોંધાયા છે આવા કિસ્સા
આ માત્ર ગુજરાત પૂરતી સીમિત ઘટના નથી. SIR પ્રક્રિયા દરમિયાન દેશના અન્ય રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પણ BLOની કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કે હાર્ટ એટેકના કિસ્સા નોંધાયા છે. રાજસ્થાનમાં એક BLOની સુસાઇડ નોટમાં અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ સંપૂર્ણ મામલો દર્શાવે છે કે, બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ હવે શિક્ષકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે અને સરકારે આ મુદ્દે તાત્કાલિક અને કાયમી ધોરણે ઉકેલ લાવવાની જરૂર છે.
આ ઘટના શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો પર લાદવામાં આવતા વધારાના કામગીરીના ભારણની ગંભીરતા દર્શાવે છે, અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણની માંગ ઊભી કરે છે.


