Explainer : Gen Zની ‘બાય નાઉ, પે લેટર’ની કુટેવથી RBI પણ ચિંતિત, દેશમાં મોટા ભાગના યુવાનો દેખાદેખીમાં બચત ભૂલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Buy Now, Pay Later: Gen Z's Debt Trap : આજના સમયમાં ભારતમાં યુવા વર્ગ અને ખાસ કરીને 'જેન ઝી' (Gen Z) ની જીવનશૈલીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વિદેશી પોપસ્ટારના મ્યુઝિક કોન્સર્ટની મોંઘી ટિકિટો ખરીદવી હોય, લક્ઝુરિઅસ વેકેશન ગાળવું હોય કે નવીનતમ ગેજેટ્સ ખરીદવા હોય, તો યુવાનો હવે પોતાની બચત કે રોકડ રકમની રાહ જોતા નથી. ‘હમણાં જીવો, પછી ચૂકવણી કરો’ (Buy Now, Pay Later BNPL) અને ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓએ યુવાનોમાં વપરાશ-આધારિત ઉધાર લેવાની આદતને ખૂબ વેગ આપ્યો છે. જેન ઝીની આવી આદત ભારતમાં દેવાનું જોખમ વધારી રહી છે.
વપરાશ લોનમાં મોટો ઉછાળો: આંકડા શું કહે છે?
ભારતના બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં ઘરગથ્થું દેવાની રચનામાં મોટો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે ઘર, વ્યવસાય કે ખેતી માટે લેવાતી સુરક્ષિત લોન કરતા હવે 'નોન-હાઉસિંગ રિટેલ લોન' (જે મુખ્યત્વે દૈનિક વપરાશ અને જીવનશૈલી માટે લેવાય છે)નો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે.
- માર્ચ 2026 સુધીમાં પરિવારોના કુલ ઉધારમાં આવી વપરાશ લોનનો હિસ્સો વધીને 58.4% થઈ ગયો છે, જે માર્ચ 2025 માં 54.9% હતો.
- નાણા મંત્રાલયના આંકડા મુજબ, ઉધાર લેનારનું સરેરાશ બાકી દેવું વધીને રૂપિયા 4.78 લાખ થઈ ગયું છે, જે માર્ચ 2018 માં રૂપિયા 3.41 લાખ હતું.
- અન્ય વ્યક્તિગત લોનની બાકી રકમ માર્ચ 2022 ના રૂપિયા 9.02 લાખ કરોડથી વધીને માર્ચ 2026 માં રૂપિયા 17.32 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.
મ્યુઝિક કોન્સર્ટ અને પ્રવાસ પાછળ થતો આંધળો ખર્ચ
તાજેતરના વિશ્લેષણો અનુસાર, યુવાનોમાં પ્રવાસ અને ઈવેન્ટ્સ પાછળ ખર્ચ કરવાનો ક્રેઝ ચિંતાજનક રીતે વધ્યો છે.
- એક અંદાજ મુજબ યુવાનોએ છેલ્લા 24 મહિનામાં માત્ર મ્યુઝિક કોન્સર્ટ્સ પાછળ જ રૂપિયા 1,600 કરોડ થી રૂપિયા 2,000 કરોડ સુધીનો ખર્ચ કર્યો છે.
- Airbnb ના એક સર્વે મુજબ, 62% જેન ઝી યુવાનોએ મ્યુઝિક કોન્સર્ટ માટે મુસાફરીની યોજના બનાવી હતી, જેમાં 10 માંથી 6 યુવાનો પોતાની માસિક આવકના 21% થી 40% સુધીનો હિસ્સો ફાળવવા તૈયાર હતા.
- મુથૂટ ફાઇનાન્સના અહેવાલ મુજબ 2025 ના પ્રથમ છ મહિનામાં લેવાયેલી 25% થી વધુ પર્સનલ લોન માત્ર પ્રવાસ માટે લેવામાં આવી હતી.
નાની રકમની પર્સનલ લોનનું જોખમ
રૂપિયા 50,000 થી ઓછી રકમની વ્યક્તિગત લોન સેગમેન્ટમાં ફિનટેક (Fintech) કંપનીઓની ભૂમિકા ખૂબ મોટી રહી છે. ડિજિટલ એપ દ્વારા સરળતાથી મળતી લોનને કારણે યુવાનો તુરંત દેવામાં સપડાઈ જાય છે.
- ફિનટેક લોન બુક્સમાંથી લગભગ 70.5% લોન અસુરક્ષિત (Unsecured) હોય છે, જેમાં લગભગ અડધા ભાગની લોન 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને આપવામાં આવે છે.
- સરળ ધિરાણના કારણે આ નાની પર્સનલ લોનમાં ચુકવણીમાં વિલંબ (Delinquency) નો દર 6.4% પહોંચી ગયો છે.
- ક્રેડિટ કાર્ડનું બાકી દેવું રૂપિયા 3 લાખ કરોડને વટાવી ગયું છે અને 90 થી 360 દિવસની મોડી ચુકવણીઓમાં પણ વાર્ષિક 40% થી વધુનો તીવ્ર વધારો નોંધાયો છે.
વ્યક્તિગત લોન ચાર વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે
બાકી બેંક ક્રેડિટ, પર્સનલ લોન અને લોનની અન્ય શ્રેણીઓના માર્ચ 2022 થી માર્ચ 2026 સુધીના આંકડા નીચે મુજબ છે. તમામ આંકડા રૂપિયા લાખ કરોડમાં છે.
- પર્સનલ લોન માર્ચ 2022માં 34.66થી વધીને માર્ચ 2024માં 53.47 અને માર્ચ 2026 સુધીમાં 69.4 સુધી પહોંચી ગઈ છે.
- હાઉસિંગ લોન માર્ચ 2022માં 17.38 હતી, જે વધીને માર્ચ 2024માં 27.19 અને માર્ચ 2026માં 33.56 થઈ છે.
- શિક્ષણ માટેની લોન પણ માર્ચ 2022માં 0.84થી વધીને માર્ચ 2024માં 1.19 અને માર્ચ 2026માં 1.56 નોંધાઈ છે.
- વાહન લોન માર્ચ 2022ના 4.05થી વધીને માર્ચ 2024માં 5.73 અને માર્ચ 2026માં 7.39 સુધી પહોંચી છે.
- સોનાના દાગીના સામે લોન માર્ચ 2022માં 0.75 અને માર્ચ 2024માં 0.93 હતી, તે માર્ચ 2026માં વધીને 4.61 થઈ ગઈ છે.
- અન્ય પર્સનલ લોન માર્ચ 2022માં 9.02થી વધીને માર્ચ 2024માં 14.28 અને માર્ચ 2026માં 17.32 થવા પામ્યું છે.
22 વર્ષની ઉંમરથી જ દેવું કરવા લાગે છે
અગાઉની પેઢીઓ અને વર્તમાન પેઢીની લોન લેવાની આદતોમાં જમીન-આસમાનનો ફરક છે.
- 1960 અને 1970 ના દાયકામાં જન્મેલા લોકો સામાન્ય રીતે 30 થી 40 વર્ષની ઉંમરે હોમ લોન કે ઓટો લોન જેવી સિક્યોર્ડ લોનથી ક્રેડિટ માર્કેટમાં પ્રવેશતા હતા. જ્યારે 2000 પછી જન્મેલા યુવાનો માત્ર 22 વર્ષની નાની વયે BNPL પ્રોડક્ટ્સ અને પર્સનલ લોન દ્વારા ક્રેડિટ ઇકોસિસ્ટમમાં દાખલ થઈ જાય છે.
- ક્રેડિટ પર ઉધાર લેનારા યુવાનોનો હિસ્સો 2017 માં 33% હતો જે વધીને 2026 માં 39% થઈ ગયો છે.
- ઓવર-લિવરેજ્ડ (આવક કરતાં વધુ લોન ધરાવતા) ગ્રાહકોનું પ્રમાણ પણ ત્રણ ગણું વધ્યું છે. વર્ષ 2017માં આવા ગ્રાહકો માત્ર 5% જ હતા, જે હવે 15% થઈ ગયા છે.
RBI એ ચિંતા વ્યક્ત કરી ભવિષ્યના જોખમ તરફ આંગળી ચીંધી
ભારતીય નાણાકીય વ્યવસ્થામાં ઘરગથ્થુ લોનથી થતા એકંદર જોખમો હાલમાં નિયંત્રણ હેઠળ છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. સંપત્તિ નિર્માણ (Asset Creation) કરવાને બદલે તાત્કાલિક વપરાશ (Consumption) માટે દેવું લેવાની આ ટેવ લાંબા ગાળે આર્થિક મુશ્કેલી સર્જી શકે છે. જો ભવિષ્યમાં કોઈપણ કારણસર રોજગાર પર જોખમ આવી પડે તો આ યુવા લોનધારકોનો માસિક રોકડ પ્રવાહ ખોરવાઈ શકે છે, જે બેંકિંગ ક્ષેત્રમાં અસુરક્ષિત લોનની એસેટ ક્વોલિટીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, જરૂરિયાત-આધારિત લોન અને ચૂકવણી કરવાની વાસ્તવિક ક્ષમતા ચકાસવી હવે અત્યંત જરૂરી બની ગઈ છે.









