India

Explainer: એક જમાનામાં ગરીબોનું ફૂડ ગણાતા ‘પિઝા’ દુનિયાભરમાં કઈ રીતે ફેલાયા? જાણો, તેના સ્વાદની રોમાંચક કથા

By GS Team
18 Aug 20265 mins read
TukuTouch Logo
નેપલ્સની ગલીઓથી શરૂ થયેલી પિઝાની સફર આજે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી પહોંચી છે. ઈ.સ. 997માં સૌપ્રથમ ઉલ્લેખ થયેલો પિઝા, 18મી સદીમાં ગરીબ મજૂરોનો સસ્તો ખોરાક હતો. રાણી માર્ગરિટાને પસંદ પડતાં તેનું નામ ‘પિઝા માર્ગરિટા’ પડ્યું અને તેને શાહી માન્યતા મળી. 1905માં અમેરિકામાં પ્રથમ પિઝેરિયા ખુલ્યું અને આજે તે વિશ્વનું સૌથી લોકપ્રિય ભોજન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: એક જમાનામાં ગરીબોનું ફૂડ ગણાતા ‘પિઝા’ દુનિયાભરમાં કઈ રીતે ફેલાયા? જાણો, તેના સ્વાદની રોમાંચક કથા

History of Pizza : ગરમાગરમ ક્રિસ્પી બેઝ, તેના પર લહેરાતો લાલ ટામેટાંનો સોસ અને મોઢામાં પાણી લાવી દે તેવું પીગળેલું ચીઝ. આજે ‘પિઝા’ શબ્દ સાંભળતાં જ દુનિયાભરના ફૂડ લવર્સના ચહેરા પર સ્મિત આવી જાય છે. વૈશ્વિક ફૂડ મેનૂમાં ટોચનું સ્થાન ધરાવતી આ વાનગી માત્ર સ્વાદ પૂરતી સીમિત નથી, પરંતુ તેનો ઇતિહાસ સંસ્કૃતિ, સ્થળાંતર, સામ્રાજ્યો અને વિજ્ઞાન સાથે જોડાયેલો છે. આશ્ચર્યની વાત એ છે કે જે પિઝા આજે વૈભવી કાફે અને રેસ્ટોરન્ટ્સની શાન છે, તે એક સમયે ગરીબ મજૂરોનું પેટ ભરવા માટેનું સૌથી સસ્તું ભોજન ગણાતું હતું. નેપલ્સની ગલીઓથી શરૂ થયેલી આ સફર આજે પૃથ્વીની સીમાઓ વટાવીને અંંતરિક્ષમાં ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ સુધી પહોંચી ચૂકી છે.

પિઝાની શરૂઆત કઈ રીતે થઈ?

પિઝાનો ઇતિહાસ આધુનિક ઈટાલીના અસ્તિત્વ પહેલાંનો છે. પ્રાચીન ઈજિપ્ત, ગ્રીસ અને રોમન સામ્રાજ્યમાં લોકો સાદી પાતળી ફ્લેટબ્રેડ પર તેલ, મસાલા તેમજ શાકભાજી મૂકીને ખાતા હતા. જોકે, દસ્તાવેજી પુરાવા અનુસાર ‘પિઝા’ શબ્દનો સૌપ્રથમ લેખિત ઉલ્લેખ આશરે 997 AD(દક્ષિણ ઈટાલીના ગાયેટા શહેરના દસ્તાવેજોમાં) જોવા મળે છે. એ સમયે તે માત્ર મીઠું અને સ્થાનિક મસાલાથી બનેલી એક સામાન્ય બ્રેડ હતી. આધુનિક પિઝાનું જન્મસ્થળ ઈટાલીનું ઐતિહાસિક શહેર નેપલ્સ(Naples) મનાય છે.

શા માટે પિઝા ‘ગરીબોનો ખોરાક’ ગણાતો?

18મી સદી દરમિયાન નેપલ્સ યુરોપના સૌથી ઝડપથી વિકસતા શહેરો પૈકીનું એક હતું. ત્યાં મોટી સંખ્યામાં ગરીબ મજૂરો અને રોજમદાર કામદારો(જેમને 'લાઝારોની' કહેવાતા) રહેતા હતા. તેમને સસ્તું, સુલભ અને ચાલતાં-ચાલતાં પણ ખાઈ શકાય તેવું ઝડપી ભોજન જોઈતું હતું. શેરી વિક્રેતાઓ લસણ, તેલ અને મીઠું લગાવેલી સસ્તી ફ્લેટબ્રેડ વેચતા, જે મજૂરો ઊભા-ઊભા જ ખાઈ લેતા. તે સમયના અમીર અને ઉચ્ચ વર્ગના લોકો પિઝાને અત્યંત તુચ્છ ગણતા અને તેનો તિરસ્કાર કરતા.

ટામેટાં અને મોઝારેલાએ પિઝાની કાયાપલટ કરી

આજના પિઝાની ઓળખ ગણાતાં ટામેટાં અને ચીઝ શરૂઆતના પિઝામાં નહોતા વપરાતા.
ટામેટાંનો પ્રવેશ: અમેરિકા ખંડની શોધ પછી જ્યારે ટામેટાં યુરોપ આવ્યા, ત્યારે લાંબા સમય સુધી લોકો તેને 'ઝેરી ફળ' માનીને ખાવાથી ડરતા હતા. પરંતુ નેપલ્સના ગરીબ લોકોએ ભૂખ સંતોષવા માટે ફ્લેટબ્રેડ પર ટામેટાંનો ઉપયોગ શરૂ કર્યો, જે અત્યંત સ્વાદિષ્ટ સાબિત થયો.
મોઝારેલા ચીઝ: 18મી સદીના મધ્યભાગમાં ભેંસના દૂધમાંથી બનતું તાજું મોઝારેલા ચીઝ ઈટાલીમાં લોકપ્રિય બન્યું. ટામેટાં અને મોઝારેલાના સંયોજને પિઝાનો સ્વાદ કાયમ માટે બદલી નાખ્યો.

રાણી માર્ગરિટાને કારણે પિઝાને શાહી માન્યતા મળી

પિઝાના ઇતિહાસમાં સૌથી મોટો વળાંક 1889માં આવ્યો. ઈટાલીના રાજા ઉમ્બર્ટો પહેલો (Umberto I) અને રાણી માર્ગરિટાએ નેપલ્સની મુલાકાત લીધી. આ શાહી મહેમાનો માટે પ્રખ્યાત પિઝા શેફ રાફેલ એસ્પોસિટોએ ખાસ વાનગી બનાવી. એ માટે તેમણે ઈટાલિયન રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનું પ્રતિનિધિત્વ કરતાં ઘટકો પસંદ કર્યા:

  • લાલ: ટામેટાં
  • સફેદ: મોઝારેલા ચીઝ
  • લીલો: તાજી તુલસી(બેસિલ)ના પાન
    રાણી માર્ગરિટાને આ પિઝા ખૂબ પસંદ પડ્યો એટલે શેફે એ પિઝાનું નામ ‘પિઝા માર્ગરિટા’ રાખી દીધું. એ સાથે જ પિઝાને શાહી માન્યતા મળી ગઈ અને ઉચ્ચ વર્ગમાં પણ તેની લોકપ્રિયતા ફેલાવા લાગી.
  • વિશ્વનું સૌથી જૂનું પિઝેરિયા : નેપલ્સમાં આવેલું એન્ટિકા પિઝેરિયા પોર્ટ'આલ્બા(Antica Pizzeria Port'Alba) 1738માં સ્ટ્રીટ વેન્ડર તરીકે શરૂ થયું હતું. 1830 સુધીમાં તે વિશ્વની પ્રથમ સંપૂર્ણ પિઝેરિયા રેસ્ટોરન્ટ બની ગયું હતું.
  • પિઝા બનાવવાની કળાને યુનેસ્કોની માન્યતા : વર્ષ 2017માં યુનેસ્કો(UNESCO) દ્વારા નેપોલિટન પિઝા બનાવવાની પરંપરાગત કળાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’(Intangible Cultural Heritage) જાહેર કરવામાં આવી.
  • પિઝાનો અમેરિકામાં પ્રવેશ : 19મી અને 20મી સદીમાં મોટી સંખ્યામાં ઈટાલિયનો અમેરિકા સ્થળાંતરિત થયા. વર્ષ 1905માં ન્યૂયોર્કના લિટલ ઈટાલીમાં અમેરિકાનું પ્રથમ પિઝેરિયા (Lombardi's) ખુલ્યું, જેને અમેરિકનોએ હાથોહાથ વધાવી લીધું.
  • બીજા વિશ્વયુદ્ધમાં પિઝા વૈશ્વિક સ્તરે લોકપ્રિય : બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન ઈટાલીમાં તૈનાત અમેરિકન સૈનિકોએ સ્થાનિક પિઝાનો સ્વાદ ચાખ્યો. યુદ્ધ પૂરું થયા પછી જ્યારે તેઓ અમેરિકા પાછા ફર્યા, ત્યારે દેશભરમાં પિઝાની માંગમાં અસાધારણ ઉછાળો આવ્યો.
  • કોમર્શિયલ ક્રાંતિ વખતે વૈશ્વિક ચેઈનને ફાયદો : 1950ના દાયકામાં ડીપ-ડીશ અને શિકાગો-શૈલીના જાડા પિઝા આવ્યા. ત્યારબાદ ‘ડોમિનોઝ’ અને ‘પિઝા હટ’ જેવી વૈશ્વિક ચેઈન્સે પિઝાને ઘર-ઘર સુધી પહોંચાડ્યો.

ભારતમાં પિઝાનું આગમન ‘દેશી ટ્વિસ્ટ’ સાથે થયું

ભારતમાં પિઝાનો પ્રવેશ 1980ના દાયકામાં થયો હતો, પરંતુ તેને સાચી લોકપ્રિયતા 1990ના દાયકામાં મળી. વર્ષ 1996માં આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઈન્સે ભારતમાં પગપેસારો કર્યો. ભારતીય સ્વાદને અનુરૂપ પિઝામાં અવનવા ફેરફારો કરવામાં આવ્યા. આજે પનીર ટિક્કા, ચિકન ટિક્કા, તંદૂરી પિઝા, ચિકન ચેટ્ટીનાડ અને મટન સુક્કા જેવા ફ્યુઝન પિઝા ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે.

પિઝા સાથે જોડાયેલા અદ્ભુત વૈશ્વિક રૅકોર્ડ્સ

સૌથી મોટો પિઝા: 19 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં બનેલો પિઝા દુનિયામાં આજ સુધી બનેલા સૌથી મોટા પિઝાનો રૅકોર્ડ ધરાવે છે.

  • ક્ષેત્રફળ: 1,296.72 ચોરસ મીટર
  • વપરાયેલી સામગ્રી: 6,193 કિલો કણક, 2,244 કિલો ચટણી, 3,992 કિલો ચીઝ અને 63 લાખથી વધુ પેપરોની સ્લાઇસ
  • સૌથી નાનો પિઝા: ઈટાલી અને જાપાનના શેફોએ સિક્કા કરતાં પણ નાનો(માત્ર થોડા મિલીમીટરની ત્રિજ્યાવાળો) માઇક્રો પિઝા બનાવ્યો, જે માઇક્રોસ્કોપિક ફૂડ આર્ટનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
  • સૌથી મોંઘો પિઝા: શેફ રેનાટો વાયોલા દ્વારા નિર્મિત ‘લુઈસ XIII (Louis XIII) પિઝા’. કિંમત: આશરે $12,000 (₹10 લાખથી વધુ). અલ્ટ્રા-લક્ઝરી કન્સેપ્ટ તરીકે ડિઝાઇન કરાયેલા આ પિઝામાં લોબસ્ટર, દુર્લભ કેવિયાર અને ઓર્ગેનિક બફેલો મોઝારેલા વપરાય છે. આ પિઝા કોઈ રેગ્યુલર મેનૂ આઇટમ નથી, પણ ખાસ ઑર્ડર પર ઈટાલીના માસ્ટર શેફ દ્વારા ઘરે આવીને જ લાઇવ બનાવવામાં આવે છે.
  • અંતરિક્ષમાં પિઝા: વર્ષ 2001માં રશિયન સ્પેસ એજન્સીને $1 મિલિયનથી વધુ ચૂકવીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પિઝા ડિલિવર કરાયો હતો. રશિયન અવકાશયાત્રી યુરી ઉસાચેવ સ્પેસમાં પિઝા ખાનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

આધુનિક જમાનાના હેલ્ધી પિઝા ટ્રેન્ડ્સ

સામાન્ય ફાસ્ટ-ફૂડ પિઝામાં ઊંચી કેલરી, ચરબી અને સોડિયમની માત્રા સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બને છે. જોકે, આધુનિક સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાન લોકો માટે હેલ્ધી વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે. જેમ કે:

  • મલ્ટિગ્રેન અને નાચણી/બાજરી (Millet) બેઝ પિઝા
  • ગ્લુટેન-ફ્રી (Gluten-free) અને વીગન (Vegan) પિઝા
  • લો-ફેટ મોઝારેલા અને ઓર્ગેનિક વેજીટેબલ ટોપિંગ્સ

સિંગલ સર્વિંગ પિઝા - ‘ધ ડોમિનો’

ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડોમિનોઝે ‘ધ ડોમિનો’ (The Domino) નામના નવા પર્સનલ પિઝાની જાહેરાત કરી છે. કંપનીના આઈકોનિક લોગો જેવા આકારની આ પ્રોડક્ટ ડેટ્રોઈટ-શૈલીની છે. તે સિંગલ-સર્વિંગ (બે મોટી સ્લાઈસ) ધરાવે છે, જેમાં પ્રીમિયમ પરમેસન ક્રસ્ટ, ચીઝના બે સ્તરો અને મનપસંદ ટોપિંગ્સ મળે છે, જેથી કોઈની સાથે શેર કર્યા વિના ગ્રાહક પોતાના વ્યક્તિગત સ્વાદનો સંપૂર્ણ આનંદ માણી શકે.

વિશ્વનું સૌથી લોકપ્રિય ભોજન

ગરીબોની સાદી ફ્લેટબ્રેડથી શરૂ થયેલી પિઝાની યાત્રા આજે વિશ્વના ખૂણે-ખૂણે અને અવકાશ સુધી પહોંચી ગઈ છે. સંસ્કૃતિઓ બદલાઈ, ટેક્નોલોજી બદલાઈ અને સ્વાદ પણ બદલાયા, પરંતુ સદીઓ વીતી ગયા પછી પણ પિઝાનું સ્થાન વિશ્વના સૌથી પ્રિય ભોજન તરીકે અડીખમ રહ્યું છે.