Explainer: શું પોલીસ કોઈને બળજબરીથી ઉપવાસ પરથી હટાવી શકે? ભૂખ હડતાળ પર કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sonam Wangchuk Protest: નવી દિલ્હીના જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ કરી રહેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે બળજબરીથી હટાવીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા, એ મુદ્દાએ દેશભરમાં કાનૂની અને નૈતિક ચર્ચા જગાવી છે. NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા વાંગચુકની અટકાયત બાદ સવાલ ઊભો થયો છે કે: શું લોકશાહીમાં શાંતિપૂર્ણ રીતે ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને તેની મરજી વિરુદ્ધ સરકાર કે પોલીસ બળજબરીથી હટાવી શકે ખરી? આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલત અને હાઈકોર્ટના ચુકાદાઓ નાગરિકોના અધિકારો અને સરકારની જવાબદારીઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે, તેની વિગતવાર સમજ મેળવીએ.
સોનમ વાંગચુક બાબતે દિલ્હી હાઈકોર્ટનું વલણ
શનિવારે વહેલી સવારે દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી સોનમ વાંગચુકને બળજબરીથી હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે આ કાર્યવાહી હાઈકોર્ટના નિર્દેશોના આધારે કરવામાં આવી છે. અદાલતના આદેશનો સ્પષ્ટ અર્થ એ હતો કે જો ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિની તબિયત વધુ લથડે તો તેમના જીવનની રક્ષા માટે તેમને હોસ્પિટલ ખસેડી શકાય છે, કારણ કે ‘દરેક નાગરિકનું જીવન કિંમતી છે’.
ગીતાંજલિ વાંગચુકની વાજબી ચિંતા
બીજી તરફ, સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પતિને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, પરંતુ પરિવાર અથવા વાંગચુકના સ્વાસ્થ્ય પર નજર રાખતા અંગત ડૉક્ટરોની લેખિત સંમતિ વિના તેમને કોઈ પણ પ્રકારે મોઢેથી કે નસમાં દવા અથવા પ્રવાહી આપવું જોઈએ નહીં. કાયદો પણ એમ જ કહે છે કે જો દર્દી સભાન અવસ્થામાં હોય, તો તેની મરજી વિરુદ્ધ તેને બળજબરીથી નસ દ્વારા ગ્લુકોઝ કે દવા આપી શકાતી નથી. જ્યાં સુધી દર્દી બેભાન ન થાય ત્યાં સુધી ડૉક્ટરો તેની મરજીને માન આપવા બંધાયેલા છે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલનો કિસ્સો
આવી જ પરિસ્થિતિ 2024 માં પણ જોવા મળી હતી જ્યારે ખેડૂતોની માંગણીઓ માટે 70 વર્ષથી વધુ ઉંમરના ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે પંજાબ અને હરિયાણા વચ્ચેની સરહદ પર અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમનો ઉપવાસ પણ 20 દિવસ સુધી ચાલ્યો હતો. 26 નવેમ્બર, 2024 ના રોજ પોલીસે દલેવાલને બળજબરીથી હટાવી લુધિયાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે ખેડૂતોના ભારે વિરોધને કારણે પોલીસે તેમને મુક્ત કરવા પડ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને નીચે મુજબના આદેશ આપ્યા હતા.
- સરકારની એ પ્રાથમિક જવાબદારી છે કે તે ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને પૂરતી તબીબી સહાય પૂરી પાડે અને તેના જીવનનું રક્ષણ કરે.
- સરકારે નાગરિકોના અસંમતિ વ્યક્ત કરવાના અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાના મૂળભૂત અધિકારનું સન્માન કરવું જોઈએ.
- કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે દલેવાલની ઉંમર, તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેઓ દેશના મહત્ત્વપૂર્ણ નાગરિક છે એ તથ્યને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલું ભરવું જોઈએ.
બાબા રામદેવ કેસમાં સરકારના બળપ્રયોગ સામે કોર્ટની ટકોર
ભૂખ હડતાળના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટનો 2011 નો બાબા રામદેવના રામલીલા મેદાન વિરોધ પ્રદર્શન અંગેનો ચુકાદો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કેસની વિગતો જોઈએ.
મે, 2011ના રોજ બાબા રામદેવે ભ્રષ્ટાચારના વિરોધમાં અને વિદેશથી કાળું નાણાં પરત લાવવાના મુદ્દે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને ભૂખ હડતાળ પર જવાનો ઇરાદો જાહેર કર્યો હતો.
19 મે, 2011ના રોજ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે વળતો પત્ર લખીને ભ્રષ્ટાચાર સામે લડવાની ખાતરી આપી અને આમરણાંત ઉપવાસનો નિર્ણય છોડી દેવા વિનંતી કરી હતી.
1 જૂન, 2011ના રોજ બાબા રામદેવ દિલ્હી પહોંચ્યા ત્યારે યુપીએ સરકારના 4 વરિષ્ઠ મંત્રીઓ તેમને સમજાવવા માટે એરપોર્ટ પર જ પહોંચી ગયા હતા. ત્યારબાદ એનસીઆર (NCR) ની હોટેલ ક્લેરિસમાં મંત્રીઓ અને રામદેવ વચ્ચે લાંબી બેઠકો યોજાઈ હતી, જેથી વિરોધ પ્રદર્શનને અટકાવી શકાય.
વાટાઘાટો નિષ્ફળ જતાં 4 જૂન, 2011 ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો સમર્થકોની હાજરીમાં રામદેવે ભૂખ હડતાળ શરૂ કરી. મધ્યરાત્રિએ લગભગ 1 વાગ્યે દિલ્હી પોલીસે અચાનક રામલીલા મેદાન પર દરોડો પાડ્યો, સૂતેલા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા, રાજબાલા નામની મહિલા ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામી. બાબા રામદેવને મહિલાના કપડાં પહેરીને ત્યાંથી ભાગવું પડ્યું. બાદમાં પોલીસે દિલ્હી બહાર તેમની અટકાયત કરી.
- મીડિયામાં મધ્યરાત્રિના આ દૃશ્યો જોઈને સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે જ સંજ્ઞાન (Suo Motu) લીધું હતું અને દિલ્હી પોલીસ તથા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ અનુસાર નાગરિકોને નિઃશસ્ત્ર એકઠા થવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર છે. સૂતેલા લોકો પર આ રીતે હુમલો કરવો એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે આવી હિંસક કાર્યવાહી સ્વીકારી શકાય નહીં.
- અદાલતે બાબા રામદેવની પણ ટીકા કરતાં કહ્યું હતું કે તેમની પાસે માત્ર 5000 લોકોની યોગ શિબિર કરવાની મંજૂરી હતી, પરંતુ તેમણે તેને હજારો લોકોની રાજકીય ભૂખ હડતાળમાં ફેરવી દીધી હતી, જે નિયમોનું ઉલ્લંઘન હતું. વળી, તેમના સમર્થકોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
આમરણાંત ઉપવાસ ‘આત્મહત્યાનો પ્રયાસ’ ન હોવાનો ચુકાદો
2016માં મણિપુરના સામાજિક કાર્યકર ઇરોમ શર્મિલાએ ‘આર્મડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ’ (AFSPA) વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે ઉપવાસ કર્યા હતા. દિલ્હી પોલીસે તેમની સામે આત્મહત્યાના પ્રયાસ (IPC 309) નો ગુનો નોંધ્યો હતો. જોકે કોર્ટે ઇરોમ શર્મિલાને આ આરોપમાંથી મુક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જીવ ગુમાવવા માગતા નહોતા, પરંતુ એક કાયદાના વિરોધમાં અહિંસક માર્ગે આંદોલન ચલાવી રહ્યા હતા. આ ચુકાદાએ સાબિત કર્યું કે રાજકીય અસંમતિ માટે કરાતા ઉપવાસને 'આત્મહત્યા'માં ખપાવી શકાય નહીં.
કાનૂની નીચોડ: જીવન રક્ષા વિરુદ્ધ અભિવ્યક્તિની આઝાદી
ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ દરેક નાગરિકને 'જીવવાનો અધિકાર' અને અનુચ્છેદ 19 હેઠળ 'શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર' મળેલો છે. ભારતીય અદાલતોના વિવિધ ચુકાદાઓનો સાર એ છે કે સરકાર કોઈ પણ વ્યક્તિને વિરોધ પ્રદર્શન કરવાના કારણે જેલમાં ન ધકેલી શકે કે તેનું વાણી સ્વાતંત્ર્ય છીનવી ન શકે. અલબત્ત, જો ભૂખ હડતાળના કારણે વ્યક્તિની તબિયત એટલી હદે બગડી જાય કે તેનું મૃત્યુ થવાનું જોખમ ઊભું થાય, તો સરકાર તેના જીવના રક્ષણ માટે તબીબી દખલગીરી કરી શકે છે અને તેને હોસ્પિટલ ખસેડી શકે છે. પરંતુ આ દખલગીરી માત્ર સ્વાસ્થ્ય સુધારવા પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ, વિરોધ પ્રદર્શનના અવાજને કાયમી ધોરણે દબાવવા માટે નહીં.









