'છોકરાઓ અને પડોશીઓને સમજાવી દેજો...': CJP આંદોલન પહેલાં દિલ્હી પોલીસનું શેરીએ શેરીએ એનાઉન્સમેન્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Police Alert Before CJP Protest : દિલ્હીમાં 10 ઑક્ટોબરે કોકરોચ જનતા પાર્ટી(CJP) અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર-પૂર્વી દિલ્હીના હર્ષ વિહાર સહિત અનેક વિસ્તારોમાં દિલ્હી પોલીસ લાઉડસ્પીકર દ્વારા પેટ્રોલિંગ કરીને લોકોને આંદોલનમાં ન જોડાવા ચેતવણી આપી રહી છે. પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નથી અને નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 163 લાગુ છે, તેથી લોકો પોતાના બાળકો અને પડોશીઓને પણ ત્યાં ન જવા સમજાવી લે.
નિયમોના ઉલ્લંઘન પર કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી
પોલીસે લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરીને નાગરિકોને જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને જંતર-મંતર પહોંચશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
પ્રદર્શનની પરવાનગી કેમ રદ કરવામાં આવી?
નવી દિલ્હી રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર નૂપુર પ્રસાદે જણાવ્યું કે, નિયમ મુજબ કોઈપણ વિરોધ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં અરજી કરવાની હોય છે, જ્યારે આ અરજી બહુ ઓછા સમય પહેલાં કરવામાં આવી હતી. અગાઉ પણ CJPને મંજૂરી આપવામાં આવી ત્યારે તેમણે શરતોનું પાલન કર્યું નહોતું, જેથી આ વખતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોતાં પરવાનગી નકારવામાં આવી છે.
દિલ્હીમાં 25 હજારથી વધુ જવાનો તહેનાત
રાજધાનીમાં કોઈપણ પ્રકારની અણધારી ઘટના રોકવા માટે અર્ધલશ્કરી દળો સહિત 25 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે દિલ્હી મેટ્રોને 57 સ્ટેશનો બંધ રાખવા અપીલ કરી હતી, જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદર્શનના નામે મેટ્રો કે ટ્રેનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકાય અને સામાન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે તે રીતે સેવાઓ નિયંત્રિત રાખવી જોઈએ.
ટ્રેનો રદ થતાં વિપક્ષે ઉઠાવ્યા સવાલ
આંદોલનને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને 9 અને 10 ઓક્ટોબરે દિલ્હી તરફ જતી 13 જેટલી ટ્રેનો રદ કરી છે તથા કેટલીક ટ્રેનોના સમય બદલ્યા છે. આ નિર્ણય સામે વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને સરકાર યુવાનોથી ડરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. માકપા દ્વારા આ પ્રતિબંધો અને ટ્રેનો રદ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.
CECના રાજીનામાની માગ સાથે આંદોલનનું એલાન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJP અને વિદ્યાર્થી સંગઠનોએ આ મોરચો માંડ્યો છે. આંદોલનકારીઓનો આરોપ છે કે મતદાર યાદી સંબંધિત પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ વિવાદ ચૂંટણી પંચના આંતરિક નિર્ણયો અને અસંતોષને લગતા અહેવાલો બહાર આવ્યા બાદ વધુ વકર્યો છે.




