India

તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ બાદ બળવાખોર સાંસદોમાં પણ ડખો! યુસુફ પઠાણ સહિત 3 સાંસદો મૌન

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં TMCની હાર બાદ 20 સાંસદોએ NCPIમાં જોડાઈ NDAને સમર્થન આપ્યું. જોકે, હવે આ જૂથમાં ભંગાણના સંકેતો છે. મુર્શિદાબાદના 3 મુસ્લિમ સાંસદો, જેમાં યુસુફ પઠાણ પણ સામેલ છે, ભાજપ સાથે જોડાવાથી વોટ બૅંક ગુમાવવાનો ડર ધરાવે છે. PM મોદીની NDA બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. સાંસદ અબુ તાહિરે સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા ગયા હતા, NDAને સમર્થન આપવા નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ બાદ બળવાખોર સાંસદોમાં પણ ડખો! યુસુફ પઠાણ સહિત 3 સાંસદો મૌન

West Bengal Politics News : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની હાર બાદ 20 સાંસદોએ બળવો કરીને નેશનલ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા(NCPI)માં જોડાવાનો નિર્ણય લીધો હતો. આ પાર્ટી NDAને સમર્થન આપી રહી છે. જોકે, હવે આ બળવાખોર જૂથમાં દરાર પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મુર્શિદાબાદ વિસ્તારની મુસ્લિમ બહુમતી ધરાવતી સીટો પરથી ચૂંટાયેલા 3 સાંસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેમાં બહરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે.

સાંસદોને ભાજપથી નજીક જતાં વોટ બૅંક ગુમાવવાનો ડર

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુસુફ પઠાણ(Yusuf Pathan) ઉપરાંત મુર્શિદાબાદના સાંસદ અબુ તાહિર ખાન(Abu Taher Khan) અને જંગીપુરના સાંસદ ખલીલુર રહમાન (Khalilur Rahaman) માને છે કે, ભાજપની નજીક જવાથી તેમની વોટ બૅંક પર માઠી અસર પડશે. આ ત્રણેય સાંસદોનું માનવું છે કે, ભાજપ સાથે જોડાવું એટલે પોતપોતાના વિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરવા સમાન છે.

એનડીએની બેઠકમાં ત્રણેય સાંસદો ગેરહાજર

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં યોજાયેલી એનડીએની બેઠકમાં પણ આ ત્રણેય સાંસદો ગેરહાજર રહ્યા હતા. જોકે, દિલ્હીમાં શુભેન્દુ અધિકારી(Suvendu Adhikari)એ બેઠક બોલાવી ત્યારે તેઓ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવા માટે તેઓ તે બેઠકમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે અબુ તાહિર એક અનુભવી નેતા છે, જેઓ 2019માં TMCમાં જોડાયા હતા અને જંગીપુરથી 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે.

સાંસદ અબુ તાહિરની સ્પષ્ટતા

સાંસદ અબુ તાહિરે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેઓ 'એનડીએમાં નથી'. જોકે, શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહયોગી પક્ષોના સાંસદો માટે યોજાયેલી નાસ્તાની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા. અબુ તાહિરે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે જ આ કાર્યક્રમમાં ગયા હતા. જેમાં રાજ્યમાં મતદાતા યાદીની ખાસ ચકાસણી(SIR)ની પ્રક્રિયા દરમિયાન મતદારોના નામો હટાવાયા હોવાનો મુદ્દો, મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ અને નવી રેલવે લાઈનની માંગણીનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન સાથેની આ મુલાકાત પોતાની ચિંતાઓ સીધી જણાવવાની એક તક હતી, NDAને સમર્થન આપવાનો કોઈ સંકેત નથી.

બળવાખોર સાંસદો પર કલ્યાણ બેનર્જીના આક્ષેપ

બીજી તરફ, કલ્યાણ બેનર્જી(Kalyan Banerjee) સહિતના કેટલાક સાંસદો હજુ પણ મમતા બેનર્જી(Mamata Banerjee)ના સમર્થનમાં છે. બેનર્જીનું કહેવું છે કે, બળવાખોર સાંસદો બધાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ લોકોએ સ્પીકરને પત્ર લખીને પોતે NCPIના સભ્ય હોવાનું જણાવ્યું છે, જ્યારે NCPI તો પહેલેથી જ NDAનો ભાગ છે.