ઈથિયોપિયાના જ્વાળામુખીના કારણે વિશ્વમાં થશે હિમયુગની શરુઆત? હજારો કિ.મી. સુધી રાખ અને ગેસ

| (AI IMAGE) |
Ethiopia Hayli Gubbi Volcano: ઈથિયોપિયામાં લગભગ 10 હજાર વર્ષના લાંબા ગાળા પછી હાયલી ગુબી જ્વાળામુખી ફાટતાં વૈશ્વિક સ્તરે તેની અસર જોવા મળી રહી છે. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને ઝેરી વાયુઓ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી ગઈ છે, જેના કારણે ભારત સહિત અનેક દેશોમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે. આ ઘટનાએ એક મોટી ચર્ચા જગાવી છે કે, જ્યારે એક સામાન્ય જ્વાળામુખીની અસર આટલી વ્યાપક હોય, તો સુપર વૉલ્કેનિક ઇરપ્શન(જ્વાળામુખી વિસ્ફોટ)ની સ્થિતિમાં દુનિયા પર શું અસર થઈ શકે? જ્વાળામુખીમાંથી નીકળેલા રાખ અને વાયુઓનું જાડું સ્તર ધરતી અને આકાશ વચ્ચે આવતાં તાપમાન નીચે જવા લાગે છે અને ઘણી વખત બેમોસમી ઠંડી પણ પડવા લાગે છે.
19મી સદીનું 'મિસ્ટ્રી ઇરપ્શન': જ્વાળામુખીના કારણે આખા વર્ષ સુધી ગરમી ન આવી!
જ્વાળામુખીના ઇતિહાસમાં લગભગ બે સદી પહેલાં બનેલી એક ઘટનાને આજે પણ સૌથી રહસ્યમયી ગણવામાં આવે છે. 19મી સદીની શરુઆતથી ઘણા વર્ષો સુધી ઇન્ડોનેશિયાના માઉન્ટ ટેમ્બોરામાં સતત થયેલા વિસ્ફોટોને 'મિસ્ટ્રી ઇરપ્શન' (રહસ્યમય વિસ્ફોટ) નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ ધમાકાઓ વિશે વૈજ્ઞાનિક રૅકોર્ડ, પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અને સ્થાનિક દસ્તાવેજો અત્યંત મર્યાદિત છે.
તે સમયે ટૅક્નોલૉજીનો ઓછો વિકાસ હોવાથી ઘટનાની ગંભીરતા પૂરેપૂરી સમજી શકાઈ નહોતી. ટેમ્બોરામાં સતત વિસ્ફોટ થવાથી હવામાં રાખ અને સલ્ફેટ એરોસોલનો જંગી જથ્થો જમા થઈ ગયો, જેના પરિણામે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શક્યા નહીં. આના કારણે વૈશ્વિક તાપમાનમાં નજીવો નહીં, પરંતુ પૂરા 1.7 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો, જે ખૂબ જ મોટી અસર હતી.
આ ઘટાડાની અસર સમગ્ર વિશ્વમાં દેખાઈ: યુરોપ અને ઉત્તર અમેરિકામાં આખા એક વર્ષ સુધી ગરમી આવી જ નહીં, ભારે હિમવર્ષા થઈ અને પાકનો લગભગ નાશ થયો. એશિયામાં પણ ચોમાસાની પેટર્ન ખોરવાઈ જતાં અનાજનું ગંભીર સંકટ છવાઈ ગયું હતું.
ક્રાકાટોઆ વિસ્ફોટની વૈશ્વિક અસર: તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો
વર્ષ 1883માં ઇન્ડોનેશિયામાં થયેલો ક્રાકાટોઆ(Krakatoa) જ્વાળામુખીનો વિસ્ફોટ પણ ટેમ્બોરા જેવી જ વિનાશક અસર ધરાવતો હતો. આ ધમાકો એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ સેંકડો કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટ દરમિયાન જ્વાળામુખીમાંથી રાખ, ધૂળ અને સલ્ફેટ વાયુઓની ભારે માત્રા નીકળીને સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. આના કારણે ચારે બાજુ એક પ્રકારનું ઝાંખું અને ચમકતું પડ રચાયું હતું.
આ પડ સૂર્યના પ્રકાશને સીધો ધરતી સુધી પહોંચતા રોકવા લાગ્યું, જેના પરિણામે તે સમયે વૈશ્વિક તાપમાનમાં લગભગ 1.2 ડીગ્રી સેલ્સિયસ જેટલો નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. આ ઘટનાએ વૈજ્ઞાનિકોને જ્વાળામુખીની વૈશ્વિક આબોહવા પર થતી અસર સમજવામાં મદદ કરી.
આ પણ વાંચો: BIG NEWS| ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ દિલ્હી પહોંચી, અનેક ફ્લાઈટ્સ રદ; DGCA ઍલર્ટ
જ્વાળામુખી ફાટવાથી ધરતી ગરમ થવાને બદલે કેમ ઠંડી પડે છે?
સામાન્ય રીતે એવું લાગે કે જ્વાળામુખી વિસ્ફોટથી ધરતીનું તાપમાન વધવું જોઈએ, પરંતુ તેનાથી વિપરીત અસર થાય છે અને પૃથ્વીનું તાપમાન ઘટે છે. આ ઘટના પાછળ એક રસપ્રદ વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે.
ખરેખર, વિસ્ફોટ દરમિયાન ભારે માત્રામાં રાખ, ધૂળ અને વિવિધ વાયુઓ ઉપલા વાતાવરણ, એટલે કે સ્ટ્રેટોસ્ફિયર (Stratosphere) સુધી પહોંચે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં આ કણો એક જાડું પડ તૈયાર કરે છે, જે કુદરતી છત્રી(અમ્બ્રેલા)ની જેમ કામ કરે છે. સૂર્યમાંથી આવતી ગરમી અને પ્રકાશ આ પડ સાથે ટકરાઈને સીધા પૃથ્વી પર પહોંચવાને બદલે અવકાશમાં પાછા પરાવર્તિત થાય છે.
આ ઉપરાંત, જ્વાળામુખીમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉપર જઈને સલ્ફેટ એરોસોલ બનાવે છે. આ એરોસોલ સૂર્યના કિરણોને વધુ અસરકારક રીતે અવરોધે છે. આ પ્રક્રિયાને કારણે પૃથ્વી પર ઓછી સૌર ઊર્જા પહોંચે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થાય છે અને ઠંડક ઘણા મહિનાઓથી લઈને બે-ત્રણ વર્ષ સુધી જળવાઈ રહી શકે છે.
જ્વાળામુખીથી 'હિમયુગ' શક્ય નથી, પણ ગ્લોબલ કૂલિંગ થાય છે!
જ્વાળામુખીના મોટા વિસ્ફોટો પૃથ્વીને થોડા સમય માટે ઠંડી કરી શકે છે, જેને ગ્લોબલ કૂલિંગ પિરિયડ કહેવામાં આવે છે, પરંતુ તેનાથી હિમયુગ(Ice Age) આવી શકે નહીં. હિમયુગ માટે હજારો વર્ષો સુધી સતત નીચું તાપમાન અને દર વર્ષે બરફના જાડા પડોનું નિર્માણ થવા જેવા ઘણાં કારણો જરૂરી છે. જ્વાળામુખીની ઠંડી કરવાની અસર એટલી લાંબી હોતી નથી, તે વધુમાં વધુ બે કે ત્રણ વર્ષ સુધી જ જળવાઈ રહી શકે છે.
આ પણ વાંચો H-1B વિઝા પર ટ્રમ્પનું બેવડું વલણ: 'નોકરીઓ અમેરિકનોને જ, પણ કુશળ વિદેશીઓની જરૂર'
ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા વૈજ્ઞાનિક પ્રયોગો
વૈજ્ઞાનિકો હવે ઘણાં દાયકાઓથી જ્વાળામુખીય વિસ્ફોટના સિદ્ધાંતને આધારે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિચારને સ્ટ્રેટોસ્ફેરિક એરોસોલ ઇન્જેક્શન(SAI) કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સલ્ફેટના કણો ઉપલા વાતાવરણમાં મોકલવામાં આવે છે જેથી તેઓ સૂર્યના કિરણોને અવકાશમાં પાછા મોકલી શકે. આનાથી તાપમાન અમુક હદ સુધી ઘટાડી શકાય છે.
જોકે, આ પદ્ધતિની મર્યાદાઓ અને જોખમો પણ છે. તેનાથી તાપમાનમાં અસ્થાયી રાહત તો મળશે, પરંતુ ગ્લોબલ વોર્મિંગનું મૂળ કારણ(ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન) સમાપ્ત નહીં થાય. સાથે જ, આનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે, જેના પરિણામે ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ જ કારણોસર ઘણા દેશોએ આ પ્રયોગના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે અને કોઈ પણ દેશે હજી સુધી મોટા સ્તરે આવું કરવાની હિંમત કરી નથી.

