એક વર્ષમાં 13 મહિના, 12 વાગ્યે સૂર્યોદય... જ્યાં જ્વાળામુખી ફાટ્યો તે ઈથિયોપિયા દેશની અવનવી વાતો

Ethiopia Rare Facts: ઈથિયોપિયાના અફાર વિસ્તારમાં 10,000 વર્ષથી વધુના લાંબા ગાળા પછી હાયલી ગુબી જ્વાળામુખી ફાટવાને કારણે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. આફ્રિકન હોર્નમાં રાતા સમુદ્રના દક્ષિણ-પશ્ચિમમાં આવેલો ઈથિયોપિયા માત્ર તેની ભૌગોલિક સ્થિતિ માટે જ નહીં, પરંતુ તેની અનન્ય અને પ્રાચીન સંસ્કૃતિ માટે પણ જાણીતો છે. તે આફ્રિકાનો એકમાત્ર એવો દેશ છે, જેને યુરોપિયન સત્તા દ્વારા ક્યારેય વસાહત કરવામાં આવ્યો નથી.
ઈથિયોપિયન કેલેન્ડરમાં વર્ષમાં 13 મહિના અને 2018નું વર્ષ!
ઈથિયોપિયાની સૌથી અનોખી ઓળખ તેનું પોતાનું કેલેન્ડર છે, જેને ગીઝ કેલેન્ડર કહેવામાં આવે છે. આ કેલેન્ડર વિશ્વભરમાં અનુસરવામાં આવતા ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં 7-8 વર્ષ પાછળ ચાલે છે, જેના કારણે આપણે 2025માં જીવી રહ્યા છીએ, જ્યારે ઈથિયોપિયામાં હાલમાં 2018 ચાલી રહ્યું છે.
આ ઉપરાંત ઈથિયોપિયામાં વર્ષના 13 મહિના હોય છે. પ્રથમ 12 મહિના બરાબર 30 દિવસના હોય છે, અને બાકીના 5 દિવસ પેગુમેન નામના 13મા મહિનામાં ઉમેરવામાં આવે છે. અહીં નવું વર્ષ (મેસ્કેરેમ–ફૂલોનો મહિનો) સામાન્ય રીતે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 11 કે 12 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.
સૂર્યોદયથી સમયની ગણતરી
ઈથિયોપિયા સમયની ગણતરી પણ આધુનિક વિશ્વથી અલગ રીતે કરે છે, જેને ઈથિયોપિયન સમય કહેવામાં આવે છે. અહીં સમય મધ્યરાત્રિથી નહીં, પરંતુ સૂર્યોદયથી ગણાય છે. આનો અર્થ એ છે કે જ્યારે બાકીની દુનિયામાં સૂર્યોદય સવારે 6 વાગ્યે થાય છે, ત્યારે ઈથિયોપિયન સમય મુજબ તે બપોરે 12 વાગ્યે થાય છે.
સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્ય
ઈથિયોપિયા તેની 3,000 વર્ષ જૂની સભ્યતા અને ઓછો પશ્ચિમી પ્રભાવ ધરાવતી સંસ્કૃતિ પર ગર્વ અનુભવે છે. દેશમાં 80થી વધુ વંશીય જૂથો રહે છે, દરેકની પોતાની ભાષા અને સંસ્કૃતિ છે. 60 ટકાથી વધુ વસ્તી ઈથિયોપિયા ઓર્થોડોક્સ ચર્ચ (ખ્રિસ્તી) છે, જે વિશ્વના સૌથી જૂના ખ્રિસ્તી સમુદાયોમાંનો એક છે.
ઉલ્લેખનીય છે કે, ઈથિયોપિયા હજુ પણ ખૂબ જ પછાત દેશ છે. ગ્રામીણ વિસ્તારોમાં 70% વસ્તી કાચા મકાનોમાં રહે છે અને ઇન્ટરનેટ સુવિધા માત્ર 25% છે. 11મી સદીના લલિબેલાના ખડક ચર્ચોમાં આજે પણ પૂજા થાય છે. ઈથિયોપિયા દ્વારા ઇરાદાપૂર્વક તેની પ્રાચીન ઓળખ, સમય અને જીવનશૈલીને જીવંત રાખવામાં આવી છે.

