સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા! આ બે લોકો વિરુદ્ધ FIR, આસામના CMએ આપ્યા તપાસના આદેશ
Singer Zubeen Garg Murder Case : બોલિવૂડના જાણીતા ગાયક અને ફિલ્મ 'ગેંગસ્ટર'ના સુપરહિટ ગીતોથી જાણીતા બેનેલા સિંગર ઝુબીન ગર્ગનું નિધન નહીં, પણ હત્યા થઈ હોવાની આશંકા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમનું શુક્રવારે સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન એક દુર્ઘટનામાં નિધન થયું હતું. જોકે આ ઘટના મામલે શંકાઓ વધી રહી છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમના નિધન અંગે ઊંડી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ગર્ગની હત્યા કરાઈ હોવાની આશંકા
આ દુર્ઘટના પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકા સાથે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. સિંગરના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ઈવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકાનુ મહંત વિરુદ્ધ અનેક એફઆઈઆર નોંધવામાં આવી છે. આસામના મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આ તમામ એફઆઈઆર સીઆઈડીને સોંપવાનો અને એક સંયુક્ત કેસ નોંધીને સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગર્ગના ચાહકો શોકમાં, CMએ દુઃખ વ્યક્ત કર્યું
ઝુબિન ગર્ગનું મોત થયા બાદ પરિવાર અને આસામના લાખો ચાહકો શોકમાં છે. તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગની હાલત ખરાબ છે અને ખુદ આસામના મુખ્યમંત્રી (CM Himanta Biswa Sarma)એ પણ તેમના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને દોષિતોને કડકમાં કડક સજા મળશે.
ઝુબિની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ, FIR દાખલ
પ્રથમ એફઆઈઆર આસામના મોરીગાંવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે, ગીત ગાવાના બહાને ઝુબિનને સિંગાપોર લઈ જવાયા અને ષડયંત્ર હેઠળ હત્યા કરવામાં આવી. આ આરોપના કારણે મામલો વધુ ગરમાયો છે.
આ પણ વાંચો : વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત
ઝુબિનને લાઈફ જેકેટ વગર પાણીમાં કૂદવા કહ્યું : FIRમાં આક્ષેપ
એફઆઈઆરમાં બેદરકારીનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે શ્યામકાનુ અને સિદ્ધાર્થએ ઝુબિનને લાઈફ જેકેટ વગર પાણીમાં કૂદવા કહ્યું હતું, જે એક બેદરકારી છે. આ કારણે એવું માનવામાં આવે છે કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નહોતી, પરંતુ એક ષડયંત્ર હેઠળનું કૃત્ય હતું.
ઝુબિનનો પાર્થિક દેહ 21 સપ્ટેમ્બરે આસામ લવાશે
ઝુબિન ગર્ગના અંતિમ સંસ્કાર 21 સપ્ટેમ્બરે આસામમાં કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ 20 સપ્ટેમ્બરે સિંગાપોરથી દિલ્હી લવાશે. આ માટે ખુદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હીથી પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. ત્યાર બાદ, ગુવાહાટીના સારુસજાઈ સ્ટેડિયમમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.