હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ, હવે બિહારનો વારો: રાહુલ ગાંધી

Bihar Election and Rahul Gandhi Press Conference : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ એટલે કે મતદાર યાદીમાંથી ગરબડ મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે હુમલા વધુ તેજ કરી દીધા છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ, તેમણે આજે (બુધવારે) ફરી એકવાર આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વખતે તેમણે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે તેમણે મતદાર યાદીમાં ગરબડના અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા.
ફેક અને બ્લર ફોટાનો ઉપયોગ કરી ફેક વોટર્સ ઊભા કરાયા
રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા સામાન્ય નામનો ઉપયોગ કરીને તેમના માટે ફેક અને બ્લર કરેલા ફોટા વાપરીને મતદારો વધારવામાં આવ્યા અને આ રીતે વોટ ચોરી કરવામાં આવી. આવી ગેરરીતિ અનેક પોલિંગ બૂથ પર કરવામાં આવી હતી. આ કોઈ બૂથ લેવલની વાત નથી પણ આ ચોરી ઉપરના લેવલથી થઈ રહી છે. આ જ સિસ્ટમ છે. એક જ બુથ પર અમને 223 ફોટો ધરાવતા ડુપ્લિકેટ મતદાર મળી આવ્યા જે એક મહિલાનો ફોટો હતો. આ મહિલાનો ફોટો દરેક જગ્યાએ એક સરખો જ હતો.
એક જ વિધાનસભામાં એક જ મતદારના 100 વખત ફોટો યુઝ થયા અને મતદાન પણ થયાનો દાવો
કેવી રીતે 25 લાખ વોટની ચોરી થઈ, જુઓ આંકડા જે કોંગ્રેસે જાહેર કર્યા
હરિયાણાના સીએમ નાયબ સૈનીનો વીડિયો ચલાવાયો
રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનો એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો, જે પરિણામો જાહેર થયાના બે દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં, સૈની કહેતા જોવા મળે છે, "અમારી પાસે બધી જ વ્યવસ્થા છે, તેથી ચિંતા કરશો નહીં. ભાજપ એકતરફી સરકાર બનાવી રહી છે." રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ 22,789 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ. આ દર્શાવે છે કે ચૂંટણી કેટલી નજીકની હતી. હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા. આ મહિલા બ્રાઝિલિયન મોડેલ છે, જેનું નામ મેથ્યુસ ફેરેરો હોવાનો દાવો કરાયો છે. જોકે આ તસવીર મેથ્યૂઝ ફરેરો દ્વારા લેવામાં આવી છે. પણ મોડેલનું નામ મેથ્યૂઝ ફરેરો નથી.
હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે. બિહારમાં મતદાર યાદીઓમાં ગોટાળા કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે મતદાર યાદી અમને છેલ્લી ઘડીએ આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના ઘણા મતદારોને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા અને દાવો કર્યો કે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાંથી આખા પરિવારોના નામ દૂર કરવામાં આવ્યા છે. બિહારમાં લાખો લોકોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ફક્ત સામાન્ય જનતા અને યુવાનો જ સત્ય અને અહિંસા દ્વારા લોકશાહી બચાવી શકે છે.
એક જ બૂથ પર એક જ મહિલાનું નામ 223 વખત દેખાય છે
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે એક જ મહિલાનું નામ એક જ બૂથ પર 223 વખત દેખાય છે, ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ કે તે મહિલાએ કેટલી વાર મતદાન કર્યું. એજ કારણ છે કે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં તે બૂથ પર શું થયું તે ખુલી ગયું હોત. એક છોકરીએ 10 જગ્યાએ મતદાન કર્યું હતું. હરિયાણામાં નકલી ફોટાવાળા 124,177 મતદારો હતા. મતદાર યાદીમાં નવ જગ્યાએ એક મહિલાએ મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ પાછળનો હેતુ સ્પષ્ટ હતો: ભાજપને મદદ કરવાનો. આ વોટ ચોરીની તપાસ લોકોએ કરવી જોઈએ.
હરિયાણાની વોટર લિસ્ટમાં બ્રાઝિલિયન મોડેલ
રાહુલ ગાંધીએ કહ્યું કે વોટ ચોરી સેન્ટ્રલાઇઝ રીતે થઈ રહી છે. તે કોઈ એક જિલ્લા, રાજ્યનો મામલો નથી. હરિયાણામાં એક્ઝિટ પોલમાં અમે જીતી રહ્યા હતા અને અમારા ડેટા અને ભાજપના લોકો પણ કહી રહ્યા હતા કોંગ્રેસ જ જીતશે પણ એવું ના થયું. તેમણે કહ્યું કે હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ અપનાવામાં આવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશ્નર દેશના લોકોને જુઠ્ઠું બોલ્યા
રાહુલ ગાંધીએ કહ્યું કે દાલચંદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાર છે. તેમનો પુત્ર પણ હરિયાણામાં મતદાર છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મત આપે છે. ભાજપ સાથે જોડાયેલા હજારો લોકો છે. મથુરાના સરપંચ પ્રહલાદનું નામ પણ હરિયાણામાં ઘણી જગ્યાએ મતદાર યાદીમાં છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કરતાં કહ્યું કે તેમણે દાવો કર્યો હતો કે જે લોકો પાસે ઘર નથી તેમના ઘરના નંબર શૂન્ય તરીકે નોંધાયેલા છે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો, જેમાં બેઘર લોકોની મતદાર યાદીમાં સૂચિબદ્ધ સરનામા અંગે માહિતી આપવામાં આવી રહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્રોસ-ચેક કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર દેશના લોકોને ખુલ્લેઆમ ખોટું બોલ્યા.
- મતદાર યાદીમાં નરેન્દ્ર નામના યુવકનું ઘર 0 બતાવાયું
- હરિયાણામાં 8માંથી 1 એક વોટર નકલી હોવાનો દાવો
- નકલી ફોટાવાળા મતદારોની સંખ્યા 1 લાખ 24 હજાર ગણાવાઈ
- વિધાનસભા બેઠકો માટેની મતદાર યાદીમાંથી 3.5 લાખ વોટર્સના નામ ડીલિટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો.
- રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સાથે મળીને ભાજપના ટોચના નેતાઓ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ લોકોએ સરકાર ચોરી કરી છે અને હવે તેઓ બિહારમાં પણ આ રીતે સરકાર ચોરી કરવા માગે છે.
હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભાજપના અનેક નેતાઓએ મતદાન કર્યાનો રાહુલ ગાંધીનો દાવો
રાહુલ ગાંધીએ મતદાર યાદી બતાવતા દાવો કર્યો હતો કે ભાજપના જ એવા ઘણા નેતાઓ હતા જેમણે બંને રાજ્યોમાં મતદાન કર્યું છે. તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાન કર્યું હતું. તેઓ તેમના પિતાના નામ બદલીને વોટિંગ કરતા રહ્યા છે. આવા તેમણે અનેક ઉદાહરણો જણાવ્યા હતા.
બે પોલિંગ બૂથની મતદાર યાદીમાં એક જ મહિલાની તસવીર 223 વખત
હરિયાણાના મતદારોની યાદીમાં રાહુલ ગાંધીના બતાવ્યા અનુસાર એક જ મહિલાની તસવીરનો 223 જગ્યાએ ઉપયોગ કરાયો હતો જેમાં દરેક વખતે નામ, ઉમર અને સરનામા અલગ અલગ બતાવીને વોટિંગ કરાવાયું હતું. આ રીતે તેમણે વોટ ચોરીનો દાવો કર્યો હતો.
હરિયાણા અંગે મોટો ખુલાસો
હરિયાણામાં 2 કરોડ વોટર છે અને 25 લાખની વોટ ચોરી કરવામાં આવી છે. રાહુલે કહ્યું કે આનાથી વધુ વોટ ચોરી થવાની પણ શક્યતા છે. હરિયાણામાં 521619 વોટર ડુપ્લિકેટ ઊભા કરાયા હતા. તેમણે એક સ્લાઇડમાં બતાવ્યું કે એક ફોટોવાળા ચૂંટણીકાર્ડ દ્વારા લગભગ 100થી વધુ વખત વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વખતે અલગ અલગ નામ વાપરીને એક જ ફોટો વાપરીને બનાવેલા ઈલેક્શન કાર્ડનો ઉપયોગ કરાયો હતો.
હરિયાણામાં વોટ ચોરીનો મુદ્દો ઊઠાવ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ અને દરેક પ્રકારના સંકેતો હરિયાણામાં કોંગ્રેસની સરકાર રચાશે તેવો દાવો કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન પોસ્ટલ બેલેટના આંકડા પણ જાહેર કરીને દાવો કર્યો કે ત્યાં કોંગ્રેસની સરકાર જ રચાવાની હતી પરંતુ અમે કેવી રીતે ચૂંટણી હાર્યા તે ન સમજાયું. રાહુલે આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાના સીએમનું નિવેદન સંભળાવ્યું જેમાં તેઓ કહી રહ્યા હતા કે ભાજપ જ હરિયાણામાં સરકાર બનાવશે અને અમારી પાસે દરેક પ્રકારની વ્યવસ્થા છે.
એક મહિલાનો ફોટો બતાવ્યો જેણે 20થી વધુ વખત હરિયાણામાં મતદાન કર્યું
રાહુલ ગાંધીએ એક સ્લાઇડમાં તસવીરો બતાવીને કહ્યું કે આ યુવતીએ અલગ અલગ નામથી 20થી વધુ વખત હરિયાણામાં વોટિંગ કર્યું હતું. તેણે લગભગ 22 વખત 10 જેટલા બુથ પર વોટિંગ કર્યું હતું. આ સાથે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આ યુવતી એક બ્રાઝિલિયન મોડેલ છે અને તેનું નામ હરિયાણામાં કેવી રીતે આવ્યું એ ન સમજાયું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મહિલા એ વાતનું ઉદાહરણ છે કે હરિયાણામાં 25 લાખ જેટલા વોટની ચોરી કરવામાં આવી છે.
શું છે ‘વોટ ચોરી’નો આરોપ?
રાહુલ ગાંધીનો મુખ્ય આરોપ એ છે કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અભિયાનની આડમાં દેશભરમાંથી લાખો મતદારો, ખાસ કરીને દલિત, આદિવાસી, પછાત અને લઘુમતી સમુદાયના લોકોના નામ જાણીજોઈને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ પ્રક્રિયાને સત્તાપક્ષ દ્વારા કરવામાં આવતી "વોટ ચોરી" ગણાવી રહ્યા છે.
અત્યાર સુધીની પ્રેસ કોન્ફરન્સ અને આરોપો
આ પહેલા પણ રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કર્ણાટકનું ઉદાહરણ આપતાં દાવો કર્યો હતો કે ત્યાં એક ખાનગી એજન્સી દ્વારા મતદારોનો ડેટા એકત્રિત કરીને હજારો કોંગ્રેસ સમર્થકોના નામ યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા માંગ કરી હતી કે આ SIR પ્રક્રિયાને તાત્કાલિક રોકવામાં આવે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવે.

