સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી... હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વાર મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દાવો

Rahul Gandhi: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ‘H ફાઈલ્સ’ નામે વિવિધ પુરાવા રજૂ કરીને હરિયાણામાં વોટ ચોરીનો દાવો કર્યો છે. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલની એક મોડલનું નામ હોવાનો દાવો થતાં જ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં અનેક ફરિયાદોના આધારે શંકા થઈ હતી કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. આ દિશામાં તપાસ કરતાં વોટ ચોરીના પુરાવા મળ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં અમને ઉમેદવારો પાસેથી ફરિયાદ મળી હતી. તમામ પૂર્વાનુમાન બદલાઈ ગયા. અમે તપાસ કરી પાંચ એક્ઝિટ પોલમાં જણાવાયું હતું કે, હરિયાણામાં કોંગ્રેસ જીતી રહ્યું છે. પરંતુ ચૂંટણીમાં પરિણામ ઓપિનિયન પોલથી અલગ જ આવ્યા.
એક યુવતીએ 22 વખત મત આપ્યા
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, હરિયાણામાં એક યુવતીએ નામ બદલી-બદલીને કુલ 22 વખત મત આપ્યા હતા. ક્યારેક તે સીમા, ક્યારેક તે સ્વિટી, અને ક્યારેક સરસ્વતી બની મત આપવા આવી હતી. રાહુલ ગાંધીએ આ યુવતીનો નકલી ફોટો પણ જાહેર કર્યો હતો, જે બ્રાઝિલની મોડલનો ફોટોગ્રાફ હતો. એ ફોટોગ્રાફ પણ કોઈ વિદેશી ફોટોગ્રાફરે ક્લિક કર્યો હતો.
બ્રાઝિલની મોડલનું નામ મતદાર યાદીમાં
રાહુલ ગાંધી અનુસાર, હરિયાણાની રાઈ વિધાનસભામાં એક મહિલાએ 22 વખત મતદાન કર્યું હતું. તેણે કુલ 10 બુથ પર મતદાન કર્યું હતું. આ મહિલા બ્રાઝિલની મોડલ છે જેની તસવીર મેથ્યુઝ ફરેરો દ્વારા લેવામાં આવી હતી. હરિયાણામાં કોંગ્રેસ માત્ર 22,789 મતથી હારી ગઈ. રસાકસીનો માહોલ હતો. હરિયાણામાં પ્રથમ વખત એવું બન્યું કે, પોસ્ટલ બેલેટ વાસ્તવિક પરિણામોથી વિપરિત હતું. પાંચ મોટા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી હતી.
યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડાં
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટા ષડયંત્રનો આરોપ મૂકતાં દાવો કર્યો કે, અમને ઉમેદવારો પાસેથી મળેલી ફરિયાદ બાદ તપાસ કરતાં અમારા પૂર્વાનુમાન બદલાઈ ગયા. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. એક ષડયંત્ર રચાયું, જેમાં કોંગ્રેસની મોટી જીતને હારમાં તબદીલ કરવામાં આવી. દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા.

