VIDEO: આઠ મહિનાની બાળકી છાપરા પર ફસાઈ, લોકો નીચે ચાદર લઈને ઊભા રહ્યા ને પછી...
Image Source: Twitter
Chennai: ચેન્નાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધબકારા વધારી દે તેવો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક માસૂમ બાળકી છાપરા પર ફસાઈ ગઈ છે. આસપાસના લોકો આ બાળકીને બચાવવા માટે અનેક યુક્તિઓ વાપરી રહ્યા છે. કેટલાક લોકો નીચે ચાદર ફેલાવીને ઊભા છે તો કેટલાક લોકો એપાર્ટમેન્ટની બારીમાંથી બહાર નીકળીને બાળકીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ચેન્નાઈના આવડી વિસ્તારની છે. જ્યાં એક રહેણાંક બિલ્ડિંગમાં લોકો બાળકીને બચાવવા માટે એકઠા થયા છે. બાળકી ચોથા માળેથી પડી ગઈ હતી. અને એપાર્ટમેન્ટના બે માળ નીચે ટીનશેડ પર ફસાઈ ગઈ છે.
ત્યારબાદની ઘટનાનો આખો વીડિયો સામે વાળી બિલ્ડિંગમાંથી બનાવવામાં આવ્યો છે. તેમાં લોકોને આ આઠ મહિનાની બાળકીને બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. ડરી ગયેલા લોકો મદદ માગી રહ્યા છે અને ત્યાં લોકો એકઠા થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો એપાર્ટમેન્ટની બારીમાંથી બાળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો નીચે એક ચાદર ફેલાવીને બાળકીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લોકો બારીમાંથી છોકરી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ એક વ્યક્તિ બારીમાંથી બહાર આવે છે અને ઉપર ચઢે છે. છોકરીને પકડવાનો પ્રયાસ કરે છે. તે છોકરીને પકડી પણ લે છે. અને અંતે છોકરીને નીચે ઉતારે છે. તેને સુરક્ષિત રૂમની અંદર અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે અને ત્યારે લોકો રાહતનો શ્વાસ લે છે.
આ મામલે પોલીસે જણાવ્યું કે આ ઘટના VGN સ્ટેફોર્ડ એપાર્ટમેન્ટમાં બની હતી. જ્યાં બાળકીની માતા તેની સાથે બાલ્કનીમાં રમી રહી હતી ત્યારે બાળકી નીચે પડી ગઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે વીડિયો અને આ ઘટના સાચી છે. આ સાથે જ એ પણ જણાવ્યું કે, બાળકી સુરક્ષિત છે. અને તેઓને હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નથી મળી.