રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ... જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી
Robert Vadra Shekhopur Land Deal Case : હરિયાણાના ગુરુગ્રામ શહેરના શિકોહાબાદ ગામની જમીન કૌભાંડ કેસમાં ED (ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ઉપરાંત ઈડીએ તેમની લગભગ 36 કરોડ રૂપિયાની 45 મિલકતો પણ જપ્ત કરી છે. વાડ્રા પર મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે, જેની ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. ચાર્જશીટમાં વાડ્રા ઉપરાંત અન્ય લોકો અને કંપનીઓના નામ પણ સામેલ છે.
કોલોની ડેવલપ કરવાના નામે જમીન બારોબાર વેચી દીધી
આ મામલામાં જમીન ડીએલએફને ટ્રાન્સફર કરવાનો પણ આરોપ લાગ્યો છે. ઈડીએ અગાઉ 14 જુલાઈના રોજ વાડ્રાની પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી, ત્યારબાદ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, તેમની કંપની સ્કાયલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ગુરુગ્રામમાં 3.53 એકર જમીન 7.50 કરોડની કિંમત પર કોલોની ડેવલપ કરવાના નામ પર આપવામાં આવી હતી, જે તેમણે બારોબાર વેચી દીધી હતી.
શું હતો સમગ્ર કેસ?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતા. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકર જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતાં વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાને બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ?
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટેલિટી પ્રાયવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન ઍન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાયસન્સને ટ્રાન્સફર કરવાની ફાઇનલ મંજૂરી આપી ન હતી.
વાડ્રા સામે મની લોન્ડ્રિંગનો પણ મામલો
ઈડીએ આર્મ્સ ડીલર સંજય ભંડારી સંબંધિત મની લોન્ડરિંગ મામલે 14 જુલાઈના રોજ વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેઓ સવારે 11 કલાકે ઈડી ઑફિસ આવ્યા અને સાંજે 4.00 કલાકે ત્યાંથી જતા રહ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ ઈડી ઑફિસ આવી હતી. આ દરમિયાન પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રિંગ એક્સ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઈડીએ કહ્યું હતું કે, તેમને ફરી બોલાવવામાં આવી શકે છે, કારણ કે વાડ્રાએ યોગ્ય જવાબ આપ્યો નથી. વાડ્રાએ સંજય ભંડારી અને તેમની પરિવાર સાથેના સંબંધો સંતોષકારક જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો : '...કોઈ મહેરબાની નથી કરી', કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં?