'તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય', અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ
Ahmedabad Plane Crash: એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના મામલે અમેરિકન તપાસ રિપોર્ટ આવ્યા બાદ વિવાદ તેજ થઈ રહ્યો છે. પાયલટ સંગઠને પાયલટ પર કરવામાં આવતાં દોષારોપણને 'ઉતાવળિયું અને બેજવાબદારી પૂર્વક'નું વર્તન જણાવ્યું. પાયલટ સંગઠનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે એક નવા અમેરિકન રિપોર્ટમાં કૉકપિટ રેકોર્ડિંગને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, કૅપ્ટને એન્જિનમાં ફ્યુલની સપ્લાય બંધ કરી દીધી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો.
પાયલટ પર ઠીકરું ફોડવા પ્રયાસ
વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર, બ્લેક બોક્સ રેકોર્ડિંગથી એ જાણકારી મળી છે કે, ઉડાન દરમિયાન કૅપ્ટને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી, જેનાથી વિમાને કામ કરવાનું બંધ કરી દીધું અને ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી.
આ પણ વાંચોઃ '...કોઈ મહેરબાની નથી કરી', કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં?
પાયલટ સંગઠને કર્યો વિરોધ
આ રિપોર્ટના સામે આવતાંની સાથે જ ભારતીય પાયલટ સંગઠન 'ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ' (FIP) એ સત્તાવાર નિવેદન જાહેર કરતાં રિપોર્ટની ભાષા, નિષ્કર્ષ અને નિષ્પક્ષતા પર સવાલ ઊભા કર્યા છે. FIPના અધ્યક્ષ કૅપ્ટન સી. એસ, રંધાવાના નામથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'પાયલટ પ્રતિનિઘિઓને તપાસ પ્રક્રિયામાંથી બહાર રાખવાને લઈને અમે ગંભીર અસંતોષ વ્યક્ત કરીએ છીએ. જે પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તે ન તો પૂરો છે અને ન નિષ્પક્ષ. તેમાં ફક્ત ગણતરીના કૉકપિટ ઑડિયોને તોડી-મરોડીને પાયલટની ક્ષમતા અને નિયત પર સવાલ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. પૂર્ણ, પારદર્શી અને ડેટા-આધારિત તપાસ પહેલાં કોઈના માથે પણ દોષનું ઠીકરું ફોડવું ન ફક્ત બેજવાબદારી છે પરંતુ, તેનાથી મૃતક અને પાયલટના પરિવાર અને સહકર્મીઓને પણ ભારે આઘાત પહોંચે તેવું છે. અમે મીડિયા અને અન્ય સંબંધિત સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે, આંશિક તથ્યો પર આધારિત નેરેટિવથી બચો અને નિષ્પક્ષ પ્રક્રિયાનું સન્માન કરો.'
આ પણ વાંચોઃ 12 કલાકમાં બીજી વખત હરિયાણામાં ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી રહી તીવ્રતા
નોંધનીય છે, કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેની કમાન 56 વર્ષીય પાયલ સુમિત સબ્બરવાલ અને ક્લાઇવ કુંદરના હાથમાં હતી. સુમિત પાસે કુલ 15,638 કલાકની ઉડાનનો અનુભવ હતો. વળી વિમાનના કો-પાયલટ 32 વર્ષીય ક્લાઇવ કુંદર પાસે કુલ 3,403 કલાકનો ઉડાન અનુભવ હતો. પ્લેન દુર્ઘટનામાં કુલ 260 લોકોના મૃત્યુ થયા હતા.