For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દ્રૌપદી મુર્મૂએ સોનિયા, મમતા, પવાર પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન માગ્યું

Updated: Jun 24th, 2022

દ્રૌપદી મુર્મૂએ સોનિયા, મમતા, પવાર પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં  સમર્થન માગ્યું

- એનડીએના દ્રૌપદી મુર્મૂએ ઉમેદવારીપત્ર ભર્યું

- 18મી જુલાઇએ ચૂંટણી : વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહાને કેન્દ્રએ ઝેડ કેટેગરીની સુરક્ષા આપી

નવી દિલ્હી : સત્તાધારી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી વડા મમતા બેનરજી, એનસીપી વડા શરદ પવાર સાથે વાત કરી હતી. અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપવા માટે અપીલ કરી હતી.

એવા અહેવાલો છે કે મમતા બેનરજીએ દ્રોપદીને રાષ્ટ્રપતિ બનવા માટે શુભેચ્છા પાઠવી હતી જોકે તેઓએ કે અન્ય કોઇ પણ નેતાએ સમર્થન અંગે કોઇ જ સ્પષ્ટતા નથી કરી. આ પહેલા દ્રોપદી મુર્મૂ શુક્રવારે સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રોપદીના પ્રસ્તાવક બન્યા હતા. અને નોમિનેશન પેપર રીટર્નિંગ ઓફિસર પી સી મોદીને સોપ્યા હતા. નોમિનેશન પેપર ફાઇલ કરતી વેળાએ દ્રોપદી મુર્મૂની સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નિતિન ગડકરી, પિયુષ ગોયલ, ભાજપ પ્રમુખ જે પી નડ્ડા અને અનેક મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, બી એસ બોમૈયા, ભુપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા, પુષ્કર ધામી, પ્રમોદ સાવંત, એન બિરેનસિંહનો સમાવેશ થાય છે. 

એનડીએના નેતાઓ ઉપરાંત વાયએસઆર કોંગ્રેસના વી વીજયરાઇ રેડ્ડી, બીજેડી નેતા સસ્મિત પાત્રા પણ હાજર રહ્યા હતા. જેડીયુ અને એઆઇએડીએમકેના નેતાઓ પણ જોડાયા હતા.  દરમિયાન વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને કેન્દ્ર સરકાર તરફથી ઝેડ કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. જેમાં સીઆરપીએફ કમાંડો યશવંત સિન્હાને સુરક્ષા પુરી પાડશે. આગામી ૧૮મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે જેમાં એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂની જીતની પુરી શક્યતાઓ છે.  

Gujarat