For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી...', PM મોદીના પ્રહાર

Updated: May 4th, 2024

'વાયનાડમાં પણ હાર દેખાતાં રાહુલ ગાંધીએ ભાગવાની જરૂર નથી...', PM મોદીના પ્રહાર

- કોંગ્રેસને આ ચૂંટણીમાં 50 બેઠકો પણ નહીં મળે

- મમતાના શાસનમાં બંગાળમાં હિન્દુઓને બીજા દરજ્જાના નાગરિક બનાવી દેવાયા, રામ મંદિર-રામ નવમીનો વિરોધ કરાયો

કોલકાતા :દેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૫૦ બેઠકો પણ જીતી નહીં શકે તેવો દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીના બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવવા બદલ આકરી ટીકા કરી હતી અને કહ્યું કે વાયનાડ બેઠક પર પરાજયના ભયથી રાહુલ ગાંધી સલામત બેઠક શોધી રહ્યા છે. જોકે, તેમણે ડરવું જોઈએ નહીં કે ભાગવું જોઈએ નહીં. આ સાથે મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પણ હુમલો કરતા કહ્યું કે, તેમણે બંગાળમાં હિન્દુઓને બીજા વર્ગના નાગરિક બનાવી દીધા છે.

કોંગ્રેસે રાહુલ ગાંધીને વાયનાડ ઉપરાંત ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે પરિવારની અન્ય એક પરંપરાગત બેઠક અમેઠી છોડી દેવા બદલ ભાજપે રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે અને તેનો મોરચો વડાપ્રધાન મોદીએ પોતે સંભાળ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં એક રેલીને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં પહેલા જ કહ્યું હતું કે શહજાદા વાયનાડમાં પરાજયના ડરના કારણે બીજી બેઠક શોધી રહ્યા છે. હવે તેમણે અમેઠીથી ભાગીને રાયબરેલીથી ચૂંટણી લડવી પડી રહી છે. આ લોકો હરી ફરીને બધાને કહે છે - ડરો નહીં. હું પણ તેમને એ જ કહું છું કે ડરશો નહીં, ભાગશો નહીં. મોદીએ સોનિયા ગાંધી પર પણ હુમલો કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી પહેલા સોનિયા ગાંધી પણ રાયબરેલીથી ભાગીને રાજસ્થાન જતાં રહ્યાં. 

પશ્ચિમ બંગાળમાં બર્ધમાન-દુર્ગાપુર, કૃષ્ણનગર અને બોલપુર લોકસભા બેઠક પર ચૂંટણી રેલીઓ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો એસસી, દલિતો અને ઓબીસી માટેની અનામત છીનવી લેશે અને જેહાદી વોટ બેન્કને ટેકો આપનારાને આપી દેશે. તેમણે ઉમેર્યું કે, કોઈ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ કરવાની જરૂર નથી. મેં થોડા સમય પહેલા સંસદમાં કહ્યું હતું કે, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા લોકસભા બેઠક છોડીને રાજ્યસભા મારફત સંસદમાં પ્રવેશશે. આ પુરાવો છે કે તેમને પરાજયનો અંદેશો આવી ગયો છે. આ વખતે કોંગ્રેસને ૫૦ બેઠકો જીતવામાં પણ ફાંફા પડી જશે. દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી ૨૦૧૪માં ૪૪ બેઠકો જ જીતી હતી જ્યારે ૨૦૧૯માં તે બાવન બેઠકો જીતવામાં સફળ થઈ હતી, પરંતુ આ વખતે તે સૌથી ઓછી બેઠકો જીતવાનો રેકોર્ડ કરશે.

દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, મમતા સરકારના શાસનમાં રાજ્યમાં હિન્દુઓને 'દ્વિતીય સ્તરના નાગરિક' બનાવી દેવાયા છે. તૃણમૂલને રામ મંદિર સામે વાંધો છે. રામ નવમીએ શોભા યાત્રાનો વિરોધ કરે છે અને જય શ્રી રામનો સૂત્રોચ્ચાર પણ મમતાને ગમતો નથી. આ સાથે મોદીએ મતદારોને સવાલ કર્યો કે મતબેન્કનું રાજકારણ મહત્વનું છે કે માનવતા. વડાપ્રધાને સંદેશખલીમાં મહિલાઓના જાતીય શોષણ અને બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મોદી પોતે ભાગીને વારાણસી આવ્યા હતા : મોદી પર ખડગેનો વળતો ઘા

રાહુલ ગાંધીએ રાયબરેલીમાંથી ઉમેદવારી નોંધાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું હતું, 'ડરો નહીં, ભાગો નહીં.' હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી પર વળતો હુમલો કરતા કહ્યું કે તેમને પૂછો, તેઓ પોતે જ ભાગીને વારાણસી આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી વડોદરા અને ઉત્તર પ્રદેશના વારાણસી એમ બે જગ્યાએથી ઉમેદવારી નોંધાવી હતી અને બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો. દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પર નિર્ણય લેવાની જવાબદારી કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપી હતી. વરિષ્ઠ નેતૃત્વ સાથે ચર્ચા પછી પક્ષે રાહુલ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી લડવાનું કહ્યું અને કિશોરી લાલ શર્માને અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Gujarat