દિવાળી-છઠને કારણે દિલ્હીથી મુંબઈ સુધી ભારે ભીડ, સુરત સ્ટેશને ટ્રેનમાં જવા 2 કિ.મી. લાઈન

Diwali Passenger Crowd in Trains: ભારતમાં હાલ દિવાળી અને છઠ્ઠને લીધે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ નવી દિલ્હી સહિત દેશના રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. આવું જ દ્રશ્ય શનિવારે સાંજે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યું, જ્યાં યાત્રીઓ રવિવારે ઉપડનારી વિવિધ સાપ્તાહિક અને સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લાંબી લાઇન લગાવીને બેઠા હતા.
મુસાફરો 12 કલાક વહેલાંથી જ લાઈનમાં લાગ્યા હતા
ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6થી આશરે બે કિલોમીટર દૂર સુધી મુસાફરોની લાંબી કતાર હતી. સ્ટેશન પરિસરમાં અને લિંબાયત વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી. સુરતના ઉધના સ્ટેશન પર ખુલ્લા મેદાનમાં શનિવાર રાતથી જ લાઇન લાગી ગઈ હતી. રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે શ્રમિક મુસાફરો 12 કલાક પહેલાંથી જ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત લાંબી લાઇન લગાવીને બેઠા હતા.
રેલવે મંત્રીએ દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
શનિવારે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભીડ નિયંત્રણની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમજ રેલવે મંત્રીએ સમજાવ્યું કે આજે ભીડનો દિવસ છે. મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર મુસાફરો સુવિધા કેન્દ્રો અને વધારાના ટિકિટિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય: દિલ્હી હાઈકોર્ટ
તેમજ રેલવેમંત્રીએ કહ્યું કે, 'શનિવારે સ્ટેશન પર આશરે 1,75,000 મુસાફરો આવ્યા હતા, જેમાંથી 75,000 રિઝર્વેશન કરાવ્યા વગરના મુસાફરો હતા. આ તહેવારો દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, મુસાફરોને વધારાની સુવિધા પૂરી પાડવા માટે 12,000 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અનેક વ્યક્તિઓ સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા માટે, સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં મુસાફરોને વ્યવસ્થા જાળવવા અને અરાજકતાને રોકવા માટે વ્યવસ્થિત રીતે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.'
મુંબઈ રેલવે સ્ટેશનપર પણ ભીડ જોવા મળી
શનિવારે, મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે, રેલવેએ મુસાફરોની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. રેલવેએ ખાસ કરીને સામાન્ય ટ્રેનના મુસાફરો માટે અલગ બેરિકેડેડ વિસ્તારો બનાવ્યા છે, જ્યાં કોઈપણ પ્રકારની ધક્કામુક્કી કે નાસભાગ ટાળી શકાય તેવી વ્યવસ્થા છે. અલગ અલગ ટ્રેનો માટે અલગ સ્ટેન્ડ નિયુક્ત કરવામાં આવ્યા છે.