કોંગ્રેસમાં ફરી CMની ખુરશી માટે ખેંચતાણ! 30 ધારાસભ્યો ડિનર માટે ભેગા થતાં અટકળો તેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Political News : કર્ણાટકમાં સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી બદલવાની અટકળો ફરી શરુ થઈ છે. રિપોર્ટ મુજબ બેલગાવીમાં વરિષ્ઠ લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલી (Satish Jarkiholi) દ્વારા બુધવારે (18 ડિસેમ્બર) રાત્રે રાત્રિ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા(CM Siddaramaiah)નું સમર્થન કરનારા ધારાસભ્યો સામેલ થયા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રીના પુત્ર અને વિધાન પરિષદ સભ્ય યતીન્દ્ર સિદ્ધારમૈયા તથા ધારાસભ્ય એન. રાજન્ના સહિત 30થી વધુ ધારાસભ્યો સામેલ થયા હતા. જ્યારે સીએમનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા.
![]() |
| સતીશ જારકીહોલી, વરિષ્ઠ લોક નિર્માણ મંત્રી, બેલગાવી |
ભોજન સમારંભ આયોજનના નામે રાજકીય ચર્ચા
રિપોર્ટ મુજબ, બેલગાવીમાં યોજાઈ રહેલા વિધાનસભા શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે મંત્રી સતીષે સામાન્ય સામાજિક આયોજનના ભાગરુપે ભોજન સમારંભનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે. જોકે બીજી તરફ તેમાં સામેલ થનાર ઘણા ધારાસભ્યોએ બેઠકમાં રાજકીય મુદ્દે ચર્ચા થઈ હોવાના સંકેત આપ્યા છે. મુખ્યમંત્રીના નજીકના ગણાતા એન. રાજન્નાએ પુષ્ટિ કરી છે કે, બેઠકમાં પાર્ટીની રણનીતિ અને નેતૃત્વ મામલે ચર્ચા કરવામાં આવી હતી.
![]() |
| મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર વચ્ચે બીજી ડિસેમ્બરે બ્રેકફાસ્ટ મીટિંગ યોજાઈ હતી. |
સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે યોજાઈ હતી બ્રેકફાસ્ટ મીટિંગ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે (DK Shivakumar) 2 ડિસેમ્બરે સવારે શિવકુમારના નિવાસસ્થાને એક બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને પોતાની સંપૂર્ણ એકતાનો સંદેશ આપ્યો છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી આ મુલાકાત બાદ બંને દિગ્ગજ નેતાઓએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ તમામ મુદ્દાઓ પર એકજૂટ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ‘શિવકુમાર અને હું ભાઈ જેવા છીએ અને અમે પાર્ટી માટે મળીને કામ કરી રહ્યા છીએ. જ્યારે પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને હાઇકમાન્ડ નક્કી કરશે, ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી બનશે. મંગળવારે હું શિવકુમારના ઘરે બ્રેકફાસ્ટ માટે ગયો હતો, તે પહેલા શિવકુમાર મારા ઘરે આવ્યા હતા અને તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ અમે બેઠક યોજી છે.’
![]() |
| એચ.એ.ઈકબાલ હુસૈન, રામનગરના ધારાસભ્ય, કોંગ્રેસ |
શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે : કોંગ્રેસ નેતાનો દાવો
બીજીતરફ કોંગ્રેસના રામનગરના ધારાસભ્ય એચ. એ. ઇકબાલ હુસૈને (H.A.Iqbal Hussain) કહ્યું છે કે, 'નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ શિવકુમાર માટે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ. ડી. કે. શિવકુમારને મુખ્યમંત્રી બનવાની તક આપવી જોઈએ. 99 ટકા શક્યતા છે કે, ડી. કે. શિવકુમાર 6 જાન્યુઆરીએ મુખ્યમંત્રી બનશે. આમ 6 કે 9 જાન્યુઆરી આ બે તારીખો છે.’
ઘણા સમયથી કર્ણાટક કોંગ્રેસમાં ‘CM ખુરશી’ની બબાલ
છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટક કોંગ્રેસ પાર્ટીમાં મુખ્યમંત્રી પદને લઈને જંગ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના સમર્થકો આ મામલે આમને-સામને છે. કોંગ્રેસ હાઇકમાન્ડે દરમિયાનગીરી કર્યા પછી, સિદ્ધારમૈયા અને શિવકુમારે તેમનું વલણ ઢીલું કર્યું અને બંને નેતાઓ એકબીજાના ઘરે નાસ્તો કરવા પહોંચ્યા હતા. બંને વચ્ચે બ્રેકફાસ્ટ મીટિંગ યોજાયા બાદ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહેલી ચર્ચા આમ તો બંધ થઈ ગઈ હતી, જોકે હવે મંત્રી સતીશના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અને ઇકબાલના દાવાથી રાજ્યના રાજકારણમાં ફરી અટકળો શરુ થઈ ગઈ છે.
સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી પદે અઢી વર્ષ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, 20 મે-2023ના રોજ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. આ દરમિયાન સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવાયા હતા. આ દરમિયાન એવી ચર્ચા હતી કે, સીએમ પદ માટેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) અને શિવકુમાર (DK Shivakumar) અઢી-અઢી વર્ષ સત્તા સંભાળશે. જોકે તેની સત્તાવાર જાહેરાત થઈ ન હતી. આવી સ્થિતિમાં 20 નવેમ્બર-2025ના રોજ સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી તરીકે અઢી વર્ષ પૂરા થઈ ગયા છે.











