Bengaluru Crime News: કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં વિશ્વાસઘાત, અશ્લીલ વીડિયો, બ્લેકમેઇલિંગ અને પછી સામૂહિક દુષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને એક કોલેજિયન યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી, તેને બ્લેકમેલ કરીને ત્રણ શખસો સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, મુખ્ય આરોપી વિકાસે (25 વર્ષ) અંદાજે છ મહિના પહેલા પીડિત વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. ચેટિંગ બાદ તેણે વિશ્વાસ કેળવીને યુવતીને આરોપી ચેતનના ઘરે બોલાવી હતી. ત્યાં યુવતીની જાણ બહાર વિકાસે તેની અંગત પળોનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો તેણે તેના અન્ય બે મિત્રો પ્રશાંત અને ચેતન સાથે શેર કર્યો હતો.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશના સતનામાં 6 બાળકો HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ, 3 સામે તંત્રની ગાજ
બ્લેકમેલિંગ અને ગેંગરેપની ભયાનક કહાની
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન આ ત્રણેય નરાધમોએ યુવતીને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો વાઈરલ ન કરવાના બદલામાં યુવતી પાસેથી અવારનવાર બીભત્સ માગણીઓ કરવામાં આવતી હતી.
ઓક્ટોબરમાં વિકાસે ફરીથી યુવતીને બ્લેકમેલ કરી ઘરે બોલાવી હતી, જ્યાં વિકાસ, પ્રશાંત (19 વર્ષ) અને ચેતને (28 વર્ષ) મળીને યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે વિકાસે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મોકલીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ
સતત માનસિક અને શારીરિક ત્રાસ વેઠ્યા બાદ, પીડિતાએ હિંમત ભેગી કરી પરિવારને જાણ કરી હતી. બુધવારે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાતા જ બેંગ્લુરુ દક્ષિણ જિલ્લાની પોલીસે એક્શનમાં આવી. પોલીસે ગુરુવારે (18મી ડિસેમ્બર) વિકાસ, પ્રશાંત અને ચેતનની ધરપકડ કરી છે. આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓને રામનગર જિલ્લા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવામાં રહેલા જોખમો અંગે લાલબત્તી ધરી છે.


