પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના
Image :X @Dakshrj02 |
Delhi Accident: દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 9 જુલાઈની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી ઑડી કારે ફૂટપાથ સૂતા પાંચ લોકોને કચડી નાંખ્યા હતા. આ ઘટના રાત્રે આશરે 1:45 વાગ્યે ઘટી હતી. અકસ્માતમાં તમામ લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વસંત વિહારના શિવા કેમ્પ સામે રસ્તાની કિનારે ફૂટપાથ પર અમુક લોકો પોતાના પરિવાર સાથે સૂતા હતા, ત્યારે સફેદ રંગની ઑડી કાર પૂરપાટ ઝડપે આવી અને આ લોકોને કચડી દીધા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 40 વર્ષીય લાધી, 8 વર્ષની બાળકી બિમલા, 45 વર્ષીય સાબામી, 45 વર્ષીય રામ ચંદર અને 35 વર્ષીય નારાયણી ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને હાલ દિલ્હીમાં મજૂરી કામ કરી રહ્યા છે.
દારૂના નશામાં હતો ડ્રાઇવર
અકસ્માતની તુરંત બાદ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જણાવવામાં આવ્યું કે, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ છે. જોકે, પોલીસે ઘટનાસ્થળેથી આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ 40 વર્ષીય ઉત્સવ શેખરના રૂપે થઈ છે, જે દ્વારકાનો નિવાસી છે. તપાસમાં સામે આવ્યું કે, તે અકસ્માતના સમયે દારૂના નશામાં હતો.
આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, આરોપીને ઘટનાસ્થળેથી ભાગવાની તક નહતી મળી. અકસ્માત થતાની સાથે જ સ્થાનિકોએ તેને ત્યાં જ ઝડપી લીધો હતો. હાલ, પોલીસે આરોપી સામે નશામાં વાહન ચલાવવા અને જીવલેણ ઈજા પહોંચાડવાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.