રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ
Rajyasabha 4 members News : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ એક જાણીતા ફોજદારી વકીલ છે
ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. જેમાં તેમણે કસાબને સજા કરાવી હતી. જ્યારે હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને વિદેશ નીતિના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે.
આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી
સદાનંદન માસ્ટર સમાજ સેવક
મીનાક્ષી જૈન ઇતિહાસના જાણીતા પ્રોફેસર છે, જ્યારે સદાનંદન માસ્ટર લાંબા સમયથી શિક્ષણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેઓ પોતે કેરળમાં રાજકીય હિંસાનો ભોગ બન્યા હતા. આ દરેક નામ પોતપોતાના ક્ષેત્રમાં એક ખાસ ઓળખ ધરાવે છે.
બંધારણ હેઠળ નિમણૂક
આ ચારેય સભ્યને બંધારણના અનુચ્છેદ 80 હેઠળ નામાંકિત કરવામાં આવ્યા છે, જે હેઠળ રાષ્ટ્રપતિ તેમના કાર્ય અને અનુભવના આધારે કેટલાક ખાસ લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. આ નોમિનેશન રાજ્યસભાની ખાલી બેઠકો ભરવા માટે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાને બીજા પર થોપી મહાન ન બની શકે : નીતિન ગડકરી
નિયમ શું કહે છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભા (સંસદનું ઉપલું ગૃહ) માં કુલ 250 સભ્યો હોઈ શકે છે, જેમાંથી 238 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે. રાષ્ટ્રપતિ ફક્ત એ વ્યક્તિઓને રાજ્યસભામાં નોમિનેટ કરી શકે છે જેમણે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાં વિશેષ યોગદાન આપ્યું હોય. તેમને કલમ 80(1)(એ) અને 80(3) હેઠળ મનોનીત કરવામાં આવે છે. તેનો હેતુ એવા ક્ષેત્રોના નિષ્ણાતોને સંસદમાં અવાજ આપવાનો છે જે સામાન્ય ચૂંટણીઓ દ્વારા સંસદ સુધી પહોંચી શકતા નથી.