બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી
Bihar News: બિહારના પટણામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ ચાર ગોળીઓ ધરબી દીધી હતી. ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટણા એઇમ્સ લઈ ગયો હતી. ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું. આ ઘટના શનિવારે (12મી જુલાઈ) રાત્રે શેખપુરા ગામમાં બની હતી. તે પુનપુનના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા.
ભાજપ નેતા પર અંધાધૂંધ ગોળીબાર
અહેવાલો અનુસાર, ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે (12મી જુલાઈ) રાત્રે ઘરે જમ્યા પછી પાણી મોટર બંધ કરવા માટે ગામની બહાર બિહતા-સરમેરા સ્ટેટ હાઇવે-78 ની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા. મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે બાઇક પર ચાર આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટણા એઈમ્સ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ 51,000 યુવાનોને આપ્યા નિમણૂક પત્ર, કહ્યું- 'રાષ્ટ્રસેવા જ સૌથી મોટી ઓળખ'
પીપરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.કે. પાલે જણાવ્યું કે, 'હું પટણા એઇમ્સ પહોંચું તે પહેલા ભાજપ નેતા સુરેન્દ્ર કેવટનું મૃત્યુ થઈ ગયું હતું. હાલમાં, મૃતદેહને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યો છે.
મૃતક સુરેન્દ્ર કેવટ પશુ ચિકિત્સક પણ હતા
મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા. જોકે, કોઈ પદ ન હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા. આ ઉપરાંત તે ગ્રામીણ પશુ ચિકિત્સક અને ખેડૂત પણ હતા.
અગાઉ ઉદ્યોગપતિની હત્યા થઈ હતી
ઉલ્લેખનીય છે કે, અગાઉ બિહારના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ચોથી જુલાઈએ સવારે લગભગ 11:30 વાગ્યે ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારના રામગુલામ ચોક સ્થિત તેમના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપાલ ખેમકા બાંકીપુર ક્લબથી ઘરે પરત ફર્યા હતા.