India

દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

By GS TEAM
10 Nov 20253 mins read
TukuTouch Logo
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

Delhi Car Blast : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગૃહમંત્રી સાથે પરિસ્થિતિની માહિતી મેળવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આ વિસ્ફોટથી અસરગ્રસ્ત લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે.’ વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી પણ મેળવી હતી.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ: ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક, કહ્યું- તમામ એંગલથી તપાસ થશે

વિસ્ફોટના સમાચાર ખૂબ જ પીડાદાયક અને ચિંતાજનક : રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે, ‘દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર વિસ્ફોટના સમાચાર ખૂબ જ પીડાદાયક અને ચિંતાજનક છે. આ દુઃખદ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે.’

પૂર્વ CM કેજરીવાલે શું કહ્યું ?

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત ચિંતાજનક છે. આમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યાના સમાચાર છે જે અત્યંત દુઃખદ છે. પોલીસ અને સરકારે તુરંત તપાસ કરવી જોઈએ કે આ વિસ્ફોટ કેવી રીતે થયો અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ. દિલ્હીની સુરક્ષા પ્રત્યેની બેદરકારી સહન કરી શકાય નહીં.’

આ પણ વાંચો : લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી

પ્રિયજનો ગુમાવનાર પરિવાર પ્રત્યે મારી સંવેદના : CM મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)એ પણ દુર્ઘટના પર આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, ‘નવી દિલ્હીમાં થયેલા દુ:ખદ વિસ્ફોટ વિશે સાંભળીને હું આઘાતમાં છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલ થયેલા તમામ લોકોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરું છું.’

સાંજે સાત વાગ્યાની આસપાસ બની ઘટના

દિલ્હી પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, આ બ્લાસ્ટ એક પાર્ક કરેલી કારમાં થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ અકસ્માત સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. જે સમયે વિસ્ફોટ થયો, તે સમયે ટ્રાફિક સિગ્નલને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો હતા અને લોકોની પણ ભારે ભીડ હતી. વિસ્ફોટ બાદ તરત જ અફરાતફરી મચી ગઈ હતી અને ચારે તરફ અંગો વિખરાયેલા જોવા મળ્યા હતા.

દિલ્હી, મુંબઈ અને યુપીમાં હાઈ એલર્ટ

આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી દીધો છે અને સામાન્ય વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. આ ઘટનાને પગલે દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈ પોલીસે સાવચેતીના પગલાં તરીકે પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દીધું છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના તમામ મુખ્ય સ્થળો, ધાર્મિક સ્થળો, બજારો અને ભીડવાળા વિસ્તારોમાં કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ