દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ

Gujarat-Mumbai Alert After Delhi Car Blast : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ફાયર બિગ્રેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે, ત્યારે બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ ઍલર્ટ
દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે.
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાની જાણકારી મળતાની સાથે ભારત પર્વ એકતા નગર, નર્મદા ખાતે આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના કાર્યકમ છોડીને તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા છે.
DGPએ ગુજરાતમાં સુરક્ષા પગલાં લેવા પોલીસ અધિકારીઓને કર્યો નિર્દેશ
ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(DGP)એ ગુજરાતભરના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા અધિક્ષકોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં સતર્કતા વધારવા અને સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપ્યો છે. સાવચેતીના પ્રોટોકોલના ભાગરૂપે જારી કરાયેલ આ એલર્ટમાં, તમામ શહેરો અને જિલ્લાઓના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર, ખાસ કરીને મુખ્ય શહેરી કેન્દ્રો અને સરહદી પ્રદેશોમાં સઘન ચેકિંગનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસ ટીમોને જાહેર સલામતી અને દૃશ્યતા જાળવવા માટે નાકાબંધી, વાહન નિરીક્ષણ અને પેટ્રોલિંગ વધારવાનું કહેવામાં આવ્યું છે.

મુંબઈમાં પણ ઍલર્ટ
દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચો: લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ
શું છે સમગ્ર ઘટના?
રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ મચી છે. વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે. વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની લપેટમાં આવતાં બળીને ખાક થઈ ગયા છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં કાર, ટુ-વ્હીલર સહિત અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે.
8ના મોત, 10ને ઈજા
રિપોર્ટ મુજબ બ્લાસ્ટની ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક લોક નાયક સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

