Amit Shah On Delhi Blast : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સોમવારે (10 નવેમ્બર) સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર વિસ્ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કેટલાક લોકોના જીવ ગયા છે.’ ગૃહમંત્રી અમિત શાહે વિસ્ફોટની ઘટનાની પુષ્ટી કરી છે. તેમણે કમિશનર સાથે બેઠક કરીને સ્થિતિ તાગ મેળવીને જરૂરી આદેશો આપ્યા છે.
CCTV કેમેરાની તપાસ કરવાના આદેશ
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘માહિતી મળ્યાના 10 મિનિટની અંદર જ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NSG, NIA અને FSLની ટીમોએ હવે સઘન તપાસ શરૂ કરી દીધી છે. તમામ નજીકના CCTV કેમેરાની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.’
અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાત લેશે
અમિત શાહે કહ્યું કે, ‘અમે તમામ સંભાવનાઓ ચકાસી રહ્યા છીએ અને સંપૂર્ણ તપાસ કરીશું. તપાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. હું ટૂંક સમયમાં ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લઈશ.’
10ના મોત, 24થી વધુ ઘાયલ
સોમવારે સાંજે થયેલો આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને એલએનજેપી (LNJP) હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ પણ વાંચો : લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 10ના મોત; NIA અને NSGની ટીમો ઘટનાસ્થળે પહોંચી
અમિત શાહે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા
ગૃહમંત્રી અમિત શાહ આ જાહેરાત બાદ તરત જ LNJP હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માહિતી લીધી છે, અને ગૃહ મંત્રાલયે સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પણ તપાસની કમાન સંભાળી લીધી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ


