છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત

Chhattisgarh Liquor Scam : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) છત્તીસગઢના કથિત લિકર કૌભાંડની ચાલી રહેલી તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ જોગવાઈઓ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની 61.20 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે.
પ્લોટ, જમીન, બેંક બેલેન્સ સહિતની સંપત્તિ જપ્ત
ઈડીએ આ મામલે 59.96 કરોડ રૂપિયાની કિંમતના 364 રહેણાંક પ્લોટ અને કૃષિ જમીન તેમજ 1.24 કરોડ રૂપિયા બેંક બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી છે. ઈડીએ કહ્યું કે, આ પગલું છત્તીસગઢમાં કથિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસોની તપાસ દરમિયાન લેવામાં આવ્યું છે. એજન્સીનું માનવું છે કે, આ કૌભાંડ દ્વારા 2500 કરોડ રૂપિયાની અપરાધની આવક એકઠી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો
ચૈતન્ય લિકર સિન્ડિકેટનો મુખ્ય ખેલાડી : ED
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર હોવાના કારણે ચૈતન્ય બઘેલ લિકર સિન્ડિકેટના ટોચના સ્થાને હતો. ચૈતન્યને લિકર સિન્ડિકેટના નિયંત્રક અને અંતિમ અધિકારી બનાવાયો હતો. ઈડીએ દાવો કર્યો છે કે, ચૈતન્ય સિન્ડિકેટ દ્વારા એકઠા કરાયેલા તમામ ગેરકાયદે નાણાંનો હિસાબ રાખતો હતો.
ચૈતન્યએ બ્લેક મનીને વ્હાઈટ મની કરવાનો પણ ખેલ કર્યો
ઈડીને એ પણ જાણવા મળ્યું છે કે, ચૈતન્યએ આ બ્લેક મનીને વ્હાઈટ મની બતાવવા માટે રિયલ એસ્ટેટથી થયેલી આવક દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કૌભાંડની રકમનો ઉપયોગ પોતાની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના વિકાસ માટે કર્યો હતો. ઈડીએ ચૈતન્યની આ વર્ષે 18 જુલાઈએ ધરપકડ કરી હતી અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

