અનામત મુદ્દે અમિત શાહના નકલી વીડિયોના કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસનું તેડું
Fake Video Of Amit Shah Case : સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નકલી વીડિયોના કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ (Congress) નેતા રેવંત રેડ્ડી (Telangana CM Revanth Reddy)ને સમન્સ પાઠવ્યું છે. દિલ્હી પોલીસે પહેલી મેના રોજ તેમને હાજર રહેવાનું જણાવ્યું છે. આ દરમિયાન પોલીસે તેમને પોતાનો મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ સાથે લાવવા કહ્યું છે. આ કેસમાં પોલીસે આસામના એક શખસની પણ ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસ પાંચ લોકોને પણ મોકલશે નોટિસ
સૂત્રોના જણાવ્યા મુજબ, નકલી વીડિયો શેર કરવા મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત પાંચ અન્ય લોકોને પણ દિલ્હી પોલીસ બોલાવશે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલય અને ભાજપ દ્વારા આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કેટલાક લોકો દ્વારા સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાના બદઈરાદે વીડિયોમાં છેડછાડ કરી તેને મીડિયા પર શેર કરાયો છે. આ કારણે શાંતિ વ્યવસ્થા ડહોળાવાની સંભાવના છે.
મુખ્યમંત્રીને મોબાઈલ સાથે લાવવા દિલ્હી પોલીસનો આદેશ
દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી નોટિસ પાઠવીને મોબાઈલ ફોન પણ સાથે લાવવા આદેશ આપ્યો છે. હાલ દિલ્હી પોલીસની ટીમ હૈદરાબાદમાં છે. આ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અન્ય પાંચ લોકોને પણ નોટિસ અપાશે. ઉલ્લેખની છે કે, તાજેતરમાં જ ગૃહમંત્રીનો એડિટેડ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલે પોલીસે આ કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસ જે પાંચ લોકોનો નોટિસ મોકલવાની છે, તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરશે કે, એડિટેડ વીડિયો કોણે બનાવ્યો અને તે વીડિયોને કોણે વાયરલ કર્યો. આ પાંચેય લોકો તેલંગાણા સાથે સંકળાયેલા છે.