Get The App

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
Delhi Mumbai Expressway Accident


Delhi Mumbai Expressway Accident: રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે વહેલી સવારે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. એક પિકઅપ ગાડી અન્ય વાહન સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર ત્રણ લોકોના જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, અકસ્માત રેણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ-વેના ચેનલ નંબર 131 પાસે સર્જાયો હતો. દિલ્હીથી જયપુર તરફ જઈ રહેલી એક પિકઅપ ગાડી આગળ જઈ રહેલા અન્ય એક વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને જોતજોતામાં ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

બચાવવાની તક પણ ન મળી

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ટક્કર બાદ પિકઅપનો આગળનો ભાગ ખરાબ રીતે દબાઈ ગયો હતો, જેના કારણે અંદર સવાર ત્રણેય વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી અને તેઓ વાહનની અંદર જ જીવતા ભૂંજાયા હતા.

આ પણ વાંચો: 'બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો...', હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ રેણી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં પિકઅપના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે જયપુર લઈ જવામાં આવ્યો છે. તેમજ હાલ ત્રણેય મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે ત્રણેય મૃતદેહોને રેણી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખ્યા છે. પોલીસ હાલ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મૃતકો ક્યાંના રહેવાસી હતા અને ક્યાં જઈ રહ્યા હતા.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં 2 - image

Tags :