For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની હોસ્પિટલ્સમાં ફરી એક વખત દર્દીઓની ભરમાર, બેડની તંગીના કારણે વડાપ્રધાનને સાદ

Updated: Oct 14th, 2021

Article Content Image

- હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા ફુલ થઈ જવા ઉપરાંત ડેન્ગ્યુને લઈ પ્લેટલેટ્સ અને લોહીની માગમાં પણ ભારે વધારો

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસ ભલે નિયંત્રણમાં આવી ગયા હોય પરંતુ હોસ્પિટલ્સની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. હોસ્પિટલ્સ હાઉસફુલ થઈ રહી હોવાના કારણે બેડની ભારે તંગી સર્જાવા લાગી છે. સ્થિતિ એવી છે કે, હોસ્પિટલ્સમાં હવે કોરોના નહીં પણ ડેન્ગ્યુ, પોસ્ટ કોવિડ અને બિન કોવિડ સમસ્યાઓથી પીડાઈ રહેલા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. 

નગર નિગમના અહેવાલ પ્રમાણે આ વર્ષે 9મી ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યુના 480 દર્દીઓ સામે આવ્યા હતા. ગત સપ્તાહે જ ડેન્ગ્યુના કુલ 139 દર્દીઓ સામે આવ્યા હતા. છેલ્લા 2 વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધારે દર્દીઓ નોંધાયા છે. જ્યારે હોસ્પિટલ્સમાં એવી સ્થિતિ છે કે, ડેન્ગ્યુના કારણે પણ બેડ ભરાવા લાગ્યા છે. માત્ર મૈક્સ પટપડગંજમાં જ એવી સ્થિતિ છે કે, ત્યાંના તમામ બેડ ભરાઈ ગયા છે. બુધવારે બપોરના સમયે ત્યાં એક પણ બેડ ખાલી નહોતો. એ જ રીતે ફોર્ટીસ, અપોલો અને મૈક્સની અન્ય હોસ્પિટલ્સમાં પણ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા વધારે છે. તે સિવાય એઈમ્સ, સફદરજંગ, લોકનાયક અને જીટીબી હોસ્પિટલમાં પણ બેડને લઈ ભારે તકલીફ જોવા મળી રહી છે.

એઈમ્સના ડોક્ટર વિજય ગુર્જરે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે, તેમનો મિત્ર દિલ્હીની તમામ હોસ્પિટલ્સમાં ચક્કર મારી ચુક્યો છે પરંતુ તેના માતાને ક્યાંય પણ દાખલ ન કરવામાં આવ્યા. તે એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં પણ ગયો હતો પરંતુ ત્યાં પણ બેડ નહોતો મળ્યો માટે હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા વધારવામાં આવે. 

હોસ્પિટલ્સમાં બેડની સંખ્યા ફુલ થઈ જવા ઉપરાંત ડેન્ગ્યુને લઈ પ્લેટલેટ્સ અને લોહીની માગમાં પણ ભારે વધારો નોંધાયો છે. ક્યાંક 10 તો ક્યાંક 15 હજાર રૂપિયામાં પ્લેટલેટ્સ વેચાઈ રહ્યા છે. 


Gujarat