CJP નેતાઓ અને Metaની મુશ્કેલી વધી! PM મોદી અને મહિલાની મોર્ફ્ડ તસવીર મામલે દિલ્હી હાઈકોર્ટે ફટકારી નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morphed Photo Case : વડાપ્રધાન સાથે એક મહિલાની મોર્ફ કરેલી તસવીર વાયરલ કરવાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ચાર નેતાઓને નોટિસ ફટકારી છે. આ સાથે જ અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાને નિર્દેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પરથી આ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે.
પીડિત મહિલાને સુરક્ષા પૂરી પાડવાનો કોર્ટનો આદેશ
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે પોલીસને પીડિત મહિલાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે આ એક અસાધારણ બાબત છે, જેમાં માત્ર એક મહિલાની ગરિમા જ નહીં પરંતુ દેશના વડાપ્રધાન પણ સંકળાયેલા છે. આ સંવેદનશીલ કેસમાં આગામી સુનાવણી 14 ઓક્ટોબરના રોજ થશે.
CJPના ચાર નેતાઓને હાઈકોર્ટની નોટિસ
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, જો પોલીસ આવા મામલે સંવેદનશીલ ન હોય તો અદાલત તેને સંવેદનશીલ બનાવશે. આ સમગ્ર પ્રકરણમાં કોર્ટે સૌરવ દાસ (Sourav Das), અભિજિત દીપકે (Abhijeet Dipke), આશુતોષ રંકા (Ashutosh Ranka) અને રત્ના સિંહ (Ratna Singh)ને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મહિલાની સુરક્ષા સર્વોપરી છે અને પોલીસ તંત્રએ કોઈપણ પ્રકારની ઢીલાશ દાખવ્યા વિના પગલાં ભરવા પડશે.
પીડિતાએ કર્યા ગંભીર આરોપ
હાઈકોર્ટમાં પહોંચેલી પીડિતાએ પોતાની અરજીમાં ગંભીર આરોપ મૂક્યો છે કે, જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન અશ્લીલ અને અપમાનજનક નારાઓ સાથે તેની મોર્ફ કરેલી તસવીરો જાહેરમાં ફેલાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ તેની તસવીરો સાથે વડાપ્રધાનનો ફોટો જોડીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકી હોવા છતાં જવાબદારો સામે નક્કર કાર્યવાહી કે વાયરલ લિંક્સ બ્લોક કરવા માટે અસરકારક પગલાં લેવાયા નહોતા.
મેટાને અલ્ટીમેટમ
સામાન્ય રીતે કન્ટેન્ટ હટાવવાની અરજીઓ સિવિલ કોર્ટમાં જતી હોય છે, પરંતુ આ કેસની અતિસંવેદનશીલતા જોતાં હાઈકોર્ટે પીડિતાને હેરાન ન થવું પડે તે હેતુથી તમામ કાર્યવાહી અહીં જ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે મહિલાને તપાસ અધિકારીને પોતાનું સરનામું આપવા જણાવ્યું છે અને પોલીસને તેને તાત્કાલિક સુરક્ષા આપવા કહ્યું છે. આ ઉપરાંત મેટા પ્લેટફોર્મ્સને નોટિસ જારી કરીને આદેશ આપ્યો છે કે આગામી 24 કલાકની અંદર તમામ સંબંધિત વાંધાજનક અને ડીપફેક સામગ્રીને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવે.
પ્રદર્શનના આયોજકો પાસેથી વળતર મેળવવાનો પીડિતાને પૂરો અધિકાર
કોર્ટે મહિલાના વળતર મેળવવાના અધિકાર પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કે દુર્વ્યવહાર બદલ પીડિતાને પ્રદર્શનના આયોજકો પાસેથી વળતર મેળવવાનો કાનૂની અધિકાર છે. હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ રહેવાથી કાયદા હેઠળ મહિલાને મળતી કોઈપણ અન્ય કાનૂની રાહત મેળવવામાં કોઈ અવરોધ ઊભો થશે નહીં.




