PM મોદી પર છ વર્ષ ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવાની અરજી ફગાવાઈ, જાણો હાઈકોર્ટે શું કહ્યું?
Lok Sabha Elections 2024 : દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને છ વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભામાં આચાર સંહિતાનું ઉલ્લંખન કર્યું હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. એડવોકેટ આનંદ એસ જોંધલ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરવાની માંગ કરાઈ હતી.
હાઈકોર્ટે શું કહ્યું ?
ન્યાયાધીશ સચિન દત્તાની ખંડપીઠે કહ્યું કે, અરજદારે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું હોવાનું પહેલેથી જ માની લીધું છે. સુપ્રીમ કોર્ટ કોઈપણ ફરિયાદ પર વિશેષ દ્રષ્ટિકોણ અપનાવવા માટે ચૂંટણી પંચને નિર્દેશ જારી ન કરી શકે. કોર્ટે કહ્યું કે, અરજદાર અગાઉ જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચુક્યો છે અને પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર વિચાર કરી શકે છે. ચૂંટણી પંચના વકીલ સિદ્ધાંત કુમારે દલીલમાં કહ્યું કે, ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે જરૂરી આદેશ પણ આપવામાં આવશે.
અરજદારે વડાપ્રધાન પર શું આરોપ લગાવ્યા હતા ?
એડવોકેટ આનંદ જોંધલે અરજીમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 એપ્રિલે ઉત્તર પ્રદેશની એક ચૂંટણી રેલીમાં હિન્દુ દેવતાઓ અને શિખ ગુરુઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પીલીભીત બેઠક પરના ભાજપ ઉમેદવાર જિતિન પ્રસારની ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો અસ્વિકાર કરી રામ લલાનું અપમાન કર્યું હતું. તેમણે પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થનારા પાર્ટીના લોકોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં સામેલ પક્ષોએ હંમેશા અયોધ્યા રામ મંદિર નિર્માણથી નફરત કરી છે.’