કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કાપ્યા

Congresss Vote Chor Gaddi Chhod Rally : કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘વૉટ ચોર ગાદી છોડ’ હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોંગ્રેસના ટોચના નેતાઓએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-આરએસએસ ગરીબો માટે ખતરો હોવાનો, જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંધારણ ખતમ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી ચોરીનો મુદ્દે ઉઠાવી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
આ લોકોને સત્તા પરથી હટાવો: ખડગેના પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે (Mallikarjun Kharge)એ રેલીને સંબોધતા કહ્યું હતું કે, ‘ભાજપ તમામ મુદ્દે પ્રચાર કરે છે, જ્યારે સંસદ શરૂ થાય, ત્યારે મોદી બહાર જતા રહે છે, સંસદમાં આવતા નથી અને તેઓ રાહુલ ગાંધી પર સવાલ કરે છે. રાહુલ ગાંધીએ પ્રશ્નો કર્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જવાબ આપતા નથી. હું તમામ લોકોને કહું છું કે, તમે આ ગદ્દાર લોકોને સત્તા પરથી હટાવો.
RSS-BJP ગરીબો માટે સૌથી મોટો ખતરો
ખડગેએ વધુમાં કહ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ ગરીબો માટે સૌથી મોટો ખતરો છે. બંધારણે તમને મતનો અધિકાર આપ્યો છે, તે અધિકાર જતો રહેશો તો તમે શું કરશો. આ સરકાર ગરીબો વિશે વિચારતી નથી. અમે વોટ ચોરી કરનારાઓ વિરુદ્ધ લડી રહ્યા છીએ. કોંગ્રેસની વિચારધારા જ દેશને બચાવી શકે છે. રાહુલ ગાંધી દેશ માટે લડી રહ્યા છે, તેથી આપણે તેમની લડાઈને મજબૂત કરવી પડશે. જો તમે કોંગ્રેસના વિચારોને મજબૂત નહીં કરો તો તમને નુકસાન થશે, તેમને નહીં. જો દેશ બચાવો હોય તો તમે તમારા માટે ઉભા રહો.’
RSSની વિચારધારા દેશને ખતમ કરી દેશે: રાહુલ ગાંધી
રેલીને સંબોધતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, ‘આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની મનુસ્મૃતિની વિચારધારા દેશને ખતમ કરી દેશે. મોદી અને અમિત શાહ બંધારણને ખતમ કરી રહ્યા છે. તેઓ હિન્દુત્વના નામે ગરીબોને ગુલામીમાં રાખવા માંગે છે. કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે, તે વખતે મોદીનો જન્મ પણ થયો ન હતો.’
આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ
‘તેમના ડીએનએમાં અસત્ય અને વોટ ચોરી છે‘
રાહુલે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસના ડીએનએમાં સત્ય છે, જ્યારે તેમના ડીએનએમાં અસત્ય અને વોટ ચોરી છે. અમે સત્યથી મોદી-શાહ આરએસએસની સરકાર હટાવીશું. આખા દેશને અમારી સચ્ચાઈની ખબર પડશે. વોટ ચોરી કરવી તે આંબેડકરના બંધારણ પર હુમલો છે. આ લોકો વોટ ચોરી કરીને સરકાર ચલાવે છે. તેઓએ નોટબંધી કરી નાના વેપારીઓને નુકસાન પહોંચાડ્યું છે. જો તેઓ વોટ ચોરી ન કરતા હોત તો પાંચ મિનિટમાં તેમની સરકાર પડી જાત.’
‘મોદી-શાહે વોટ ચોરી કરીને ચૂંટણી જીતી‘
રાહુલે કહ્યું કે, ‘મોદી-શાહે વોટ ચોરી કરીને ચૂંટણી જીતી છે, જે તમામ લોકો જાણો છે. કર્ણાટકમાં લાખો મતદારોના નામ ડીલીટ થયા, જ્યારે મહારાષ્ટ્રમાં નવા મતદારો જોડવામાં આવ્યા. અમે ચૂંટણી પંચને પૂછ્યું તો તેઓએ કોઈ જવાબ ન આપ્યો. હવે આ દેશમાં સત્યની જીત થવાની છે. મોદીનો કોન્ફિડન્સ ખતમ થઈ ગયો છે, તેઓ જાણે છે કે, તેમની ચોરી પકડાઈ ગઈ છે. હરિયાણામાં પણ વોટ ચોરી કરવામાં આવી. બ્રાઝિલની મહિલાએ 22 વખત મતદાર કર્યું, ઉત્તર પ્રદેશના લોકોએ હરિયાણા જઈ મતદાન કર્યું, ત્યાં પણ મત આપે છે અને અહીં પણ મત આપે છે. તેઓએ ચૂંટણી સમયે 10-10 હજાર રૂપિયા વેંચ્યા, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સુખબીર સિંહ, વિવેક જોશી ભાજપ સાથે મળીને કામ કરે છે.’
બેટિંગ એપ્સ PMO અધિકારીઓ દ્વારા ચલાવાતી: પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)એ વડાપ્રધાન મોદી અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ‘તેઓ મોટા રાષ્ટ્રપતિઓ સાથે હાથ મિલાવીને ફોટા પડાવે છે, પણ જનતાના દુઃખમાં તેમની સાથે ઊભા રહેતા નથી. બેટિંગ એપ્સ પીએમ ઓફિસના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી, જેના પર કોઈ ચર્ચા થતી નથી. દેશમાં નાગરિકોના વૉટનો અધિકાર છીનવાઈ રહ્યો છે, જે લોકશાહીનો પાયો છે. કોંગ્રેસ જનતાના આ અધિકારોની રક્ષા કરવા માટે લડતી રહેશે અને ક્યારેય ઝૂકશે નહીં. જો ભાજપ માત્ર બેલેટ પેપર પર ચૂંટણી લડે, તો એક પણ ચૂંટણી જીતી શકશે નહીં. બિહારમાં 65 લાખ અને ઉત્તર પ્રદેશમાં ત્રણ કરોડ વૉટ કાપી નાખવામાં આવ્યા છે. આજે દેશની તમામ સંસ્થાઓ શાસક પક્ષ સામે ઝૂકી ગઈ છે અને સરકાર દરેક મુદ્દે નિષ્ફળ ગઈ છે, જેનો પુરાવો 90 રૂપિયા થયેલો ડૉલર છે.’
આ પણ વાંચો : મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો

