મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો

Image: IANS |
Lionel Messi Event Chaos: કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસીના કાર્યક્રમ દરમિયાન જોવા મળેલી અવ્યવસ્થાના કારણે મચેલી અફરાતફરીએ લોકોને પરેશાન કરી દીધા હતા. હકીકતમાં 'GOAT ઇન્ડિયા ટૂર 2025'ના પહેલાં તબક્કામાં થયેલા આ હોબાળા બાદ કાર્યક્રમના આયોજકો સતાદ્રુ દત્તા સવાલોના ઘેરામાં છે. ગોવામાં આગવાળા નાઇટ ક્લબના માલિક સૌરવ અને ગૌરવ લૂથરની જેમ દત્તા પણ આ કાંડ બાદ કોલકાતાથી ભાગવાની તૈયારીમાં હતા. દત્તા તો મેસીની સાથે ચાર્ટર્ડ પ્લેનમાં પણ બેસી ગયા હતા. આ ચાર્ટર્ડ પ્લેન હૈદરાબાદ માટે ઉડાન ભરવાનું જ હતું, પરંતુ ત્યારે જ અચાનક એક કૉલ આવ્યો અને આખો પ્લાન બગડી ગયો.
એક કૉલે બગાડ્યો પ્લાન?
કોલકાતામાં સૉલ્ટ લેક સ્ટેડિયમમાં અવ્યવસ્થા વચ્ચે મેસી અને ઇન્ટર મિયામી ટીમના સાથી લુઈ સુઆરેજ અને રોદ્રિગો ડી પૉલ ટૂરના બીજા તબક્કા માટે હૈદરાબાદ રવાના થવાના હતા. આયોજક સતાદ્રુ દત્તા ખુદ મેસીને કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છોડવા માટે પહોંચ્યા. બપોરે 12:25 વાગ્યે તેઓ પહોંચ્યા અને સિક્યોરિટી ચેક પૂરી કર્યા બાદ 12:40 વાગ્યે ગલ્ફસ્ટ્રીમ પ્રાઇવેટ જેટમાં સવાર થયા. જોકે, આ દરમિયાન એરપોર્ટ પર હાજર અધિકારીઓ પાસે એક ફોન કૉલ આવ્યો હતો, જેમાં ડીજીપી રાજીવ કુમાર વાત કરી રહ્યા હતા. તેમણે દત્તાને તુરંત પ્લેનમાંથી નીચે ઉતારવાનો ઓર્ડર આપ્યો. આશરે 1 વાગ્યે તેમને ડી-બોર્ડ કરી લેવાયા અને ટારમૈક પર એક ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા. દત્તાએ અધિકારીઓને મૂર્ખ બનાવવાનો અનેક પ્રયાસ કર્યો. પહેલા તો તેમણે જવાબદારી લેવાનો જ ઇનકાર કરી દીધો. પરંતુ, બાદમાં દર્શકોને રિફન્ડ અને પર્સનલ બોન્ડ આપવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, મેસી સાથે બાકીની ટૂર પર સાથે જવું જરૂરી છે. પરંતુ, પોલીસે તેનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો.
પોલીસે કરી ધરપકડ
આખરે, પાઇલટે વધુ રાહ ન જોવાનો નિર્ણય લઈને જેટ બપોરે 2:34 વાગ્યે 8 ની બદલે 7 પેસેન્જર્સ સાથે હૈદરાબાદ જવા રવાના થયું. સતાદ્રુ દત્તા પોલીસ કસ્ટડીના કારણે પાછળ રહી ગયા. બાદમાં ડીજીપી જાવેદ શમીમે પુષ્ટિ કરી કે, દત્તાની ધરપકડ કરવામાં આવી છે.
લૂથરા બ્રધર્સ જેમ ભાગવાનો પ્રયાસ
આ ઘટના ગોવાના લૂથરા બ્રધર્સની યાદ તાજી કરાવે છે, જે હાલમાં જ નાઇટ ક્લબ 'બિર્ચ બાય રોમિયો લેન'માં આગ લાગ્યા બાદ થાઇલેન્ડ ભાગી ગયા હતા. આ અકસ્માતમાં 25 લોકોને મૃત્યુના થોડા કલાકો બાદ તે ફ્લાઇટ પકડીને ફુકેટ નીકળી ગયા હતા. પરંતુ, બાદમાં થાઇ પોલીસે તેમને પકડીને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ઠીક આ જ પ્રકારે સતાદ્રુ દત્તા પણ ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ, એક કૉલે બધું જ બદલી નાંખ્યું.
આ પણ વાંચોઃ દોડાવી-દોડાવીને બેલ્ટ વડે ફટકાર્યા... યુપીના જોનપુરમાં સાધુઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અવ્યવસ્થા, છેતરપિંડી અને સુરક્ષા ચૂકના આરોપમાં સતાદ્રુ પર ગુનો દાખલ થવાની સંભાવના છે. તેમણે પહેલા પેલે અને મારાડોના જેવા દિગ્ગજોને ભારત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, આ વખતે તેમની આ પહેલ વિવાદોનું કારણ બની છે. દર્શકોને રિફન્ડનું વચન આપવામાં આવ્યું છે, તેમ છતાં તેમનો ગુસ્સો શાંત થયો નથી.
કેમ ભડક્યા મેસીના ચાહકો?
સાલ્ટ લેક સ્ટેડિયમમાં કલાકો રાહ જોઈ રહેલા દર્શકોને સ્ટેન્ડથી મેસીનો ચહેરો પણ જોવા મળ્યો નહતો. ફક્ત 20-22 મિનિટમાં મેસીને સુરક્ષાના કારણોસર બહાર નીકળી જવું પડ્યું. જેના કારણે દર્શકોની ધીરજ ખૂટી અને તેમણે સ્ટેડિયમની અંદર હોબાળો શરૂ કરી દીધો. રોષે ભરાયેલા દર્શકોએ ખુરશીઓ ઉખાડી દીધી, બોટલ ફેંકી, ખાવાના પેકેટ અને પ્લાસ્ટિકની બોટલ મેદાન પર ઉછાળવાનું શરૂ કરી દીધું. લોકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું, જેને કાબૂમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. એક દર્શક સૌમ્યાદીપ ઘોષે કહ્યું કે, '16 હજારની ટિકિટ લીધી હતી, મેસીનો ચહેરો પણ જોવા ન મળ્યો. અમને છેતરાયા હોવાની અનુભૂતિ થઈ રહી છે.'

