કેબિનમાં સતત ગરમ તાપમાન... ટોક્યોથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ કોલકાતામાં ‘ડાયવર્ટ’
Air India Flight : ટોક્યોના હનેડા એરપોર્ટ પરથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-357 રવિવારે (29 જૂન) તાત્કાલીક કોલકાતા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટની કેબિનમાં સતત ગરમ તાપમાન રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, સુરક્ષા અને સાવધાનીને ધ્યાને રાખી ફ્લાઈટ તાત્કાલીક કોલકાતામાં લેન્ડ કરાઈ છે.
ફ્લાઈટની ટેકનીકલ તપાસ શરૂ : એર ઈન્ડિયા
એરલાઈન્સે કહ્યું કે, પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન થાય અને પોતાના ગંતવ્ય સ્થળ દિલ્હી એરપોર્ટ સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે, ‘29 જૂને હનેડાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ એઆઈ-357ના કેબિનમાં સતત ગરમી અનુભવાઈ રહી હતી, જેના કારણે સુરક્ષાને ધ્યાને રાખી ફ્લાઈટને કોલકાતમાં ડાઈવર્ટ કરવામાં આવી છે. હાલ વિમાનની ટેકનિકલ તપાસ થઈ રહી છે અને એરલાઈન્સની ટીમ પ્રવાસીઓને તમામ મદદ કરી રહી છે.
આ પણ વાંચો : રશિયાની યુક્રેન પર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઈક, ફાઈટર જેટ F-16ના પાયલટનું મોત
ચેન્નાઈ જઈ રહેલું વિમાન મુંબઈ પરત આવ્યું
આ પહેલા એર ઈન્ડિયાની એક ફ્લાઈટ મુંબઈથી ચેન્નાઈ જઈ રહી હતી. આ દરમિયાન કેબિનમાં સળગવાની ગંધ આવતા ફ્લાઈટ મુંબઈ પરત આવી ગઈ હતી. એરલાઈન્સે તેની પુષ્ટી કરી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ શનિવારે કહ્યું કે, ‘27 જુન શુક્રવારે ફ્લાઈટ નંબર-એઆઈ-639 મુંબઈથી ચેન્નાઈ જઈ રહી હતી. આ દરમિયાન કેબિનમાં સળગવાની ગંધ આવી હતી, જેના કારણે સુરક્ષાને ધ્યને રાખી ફ્લાઈટને તુરંત મુંબઈ પરત બોલાવાઈ હતી.
આ પણ વાંચો : ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી