Get The App

ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી 1 - image


Iran Can Make Nuclear Bomb Soon : ઈરાને હજુ પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ ખતમ ન કર્યો હોવાનો આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીએ (IAEA) દાવો કર્યો છે. ઈઝરાયલ-ઈરાન વચ્ચે 12 દિવસ ચાલેલા યુદ્ધમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યા બાદ આઈએઈએએ આ ચેતવણી આપી છે. એજન્સીએ કહ્યું કે, ‘ઈરાન ટૂંક સમયમાં યુરેનિયમ સંવર્ધન ફરી શરૂ કરી શકે છે, એટલે કે ઈરાન પરમાણુ બોંબ બનાવવા નજીક પહોંચી ગયું છે. ઈરાનની ટેકનિકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓ હજુ પણ સલામત છે.’ આ પહેલા ઈરાને સંસદમાં પ્રસ્તાવ પાસ કરીને IAEA સાથે સંબંધો તોડી નાખ્યા હતા. ત્યારબાદ IAEA આ ચોંકાવનારો દાવો કર્યો છે.

ઈરાનના પરમાણુ કેન્દ્રો નષ્ટ કર્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો?

અમેરિકાએ તાજેતરમાં જ ઈરાન પર હુમલા કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ‘અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ કેન્દ્રને સંપૂર્ણ નષ્ટ કરી દીધા છે અને તેને દાયકાઓ પાછળ ધકેલી દીધું છે.’ ટ્રમ્પના આ દાવા બાદ  IAEAએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચેતવણી આપતા ફરી કંઈ નવાજુની થવાના એંધાણ ઉભા થયા છે.

યુરેનિયમથી 9થી વધુ પરમાણુ બોંબ બનાવી શકાય : IAEA

IAEAના પ્રમુખ ગ્રોસીએ કહ્યું કે, ‘અમેરિકાના હુમલામાં ઈરાનમાં કેટલાક સ્થળે નુકસાન થયું છે, જોકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ યથાવત્ છે. જો ઈરાન ઈચ્છે તો કેટલાક મહિનાઓમાં જ સેન્ટ્રીફ્યૂજ ફરી શરુ કરી શકે છે અને સંવર્ધિત યુરેનિયમનું ઉત્પાદન કરી શકે છે. ઈરાન એક અત્યાધુનિક પરમાણુ ટેકનોલોજી ધરાવતો દેશ છે. તેની પાસે સુવિધાની સાથે જ્ઞાન અને ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે.’ એજન્સીએ કેટલાક દિવસ પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે, ‘અમેરિકાના હુમલા પહેલા ઈરાન 408.6 કિલો (આશરે 900 પાઉન્ડ) સંવર્ધન યુરેનિયમ અન્ય સ્થળે લઈ ગયું હશે. આ યુરેનિયમ 60% સુધી સંવર્ધિત છે, એટલે કે પરમાણુ બોંબ બનાવની પ્રક્રિયાથી થોડે દુર છે. આ યુરેનિયમથી 9થી વધુ પરમાણુ બોંબ બનાવી શકાય છે.’

આ પણ વાંચો : રશિયાની યુક્રેન પર સૌથી મોટી એરિયલ સ્ટ્રાઈક, ફાઈટર જેટ F-16ના પાયલટનું મોત

ઈરાને IAEA સંબંધો તોડ્યા

ઈરાનની સંસદમાં તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA) સાથે સંબંધો તોડવા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, ઈરાને છાનામાના પરમાણુ બોંબ બનાવવાનો પ્લાન બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધેયક પસાર થયા બાદ રશિયાએ ઈરાનને કહ્યું છે કે, તે આઈએઈએ સાથે સંબંધો ચાલુ રાખે. ઈઝરાયલ-અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોંબમારો કર્યો હતો, જેના કારણે ઈરાન IAEAથી નારાજ થઈને આ વિધેયક લાવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાને IAEA સાથે સંબંધો તોડવા માટેનું કારણ પણ જણાવ્યું છે. તેણે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી ઈરાન પર હુમલા અટકાવવામાં અને હુમલાની નિંદા કરવામાં નિષ્ફળ ગઈ છે.’

Tags :