Get The App

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત 1 - image


Pune, Navale Bridge Truck  Accident : મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે (13 નવેમ્બર) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સતારા-મુંબઈ લેન પર સેલ્ફી પોઈન્ટ પાસે થઈ છે.

બે ટ્રક વચ્ચે કાર ફસાઈ, ભયાનક આગ લાગી

પોલીસના જણાવ્યા અનુસાર, બે મોટા કન્ટેનર ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા અને તેમની વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. ટક્કર બાદ બંને ટ્રકોમાં તુરંત આગ લાગી ગઈ, જેના કારણે આખી કાર પણ બળીને રાખ થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ફસાયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશન અને નુકસાન

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવ અભિયાન શરૂ કરાયું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં આશરે આઠ જેટલા વાહનો અથડાયા છે.

અનેક વાહનો એકબીજાને અથડાયા

ઘટનાને નજરે જોનારાઓએ અકસ્માતને ભયાનક ગણાવ્યો છે. ટક્કરના કારણે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને બ્રિજ પર લગભગ ચાર જગ્યાએ વાહનો એકબીજાને અથડાયા હતા.  પોલીસે જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે, એક ટ્રકના બ્રેક ફેઈલ થવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હોઈ શકે છે.

Tags :